બેઈજિંગ : ભારત અને ચીન વચ્ચે એર ઇન્ડિયાએ શરુ થયેલી ફલાઈટ સેવા બાદ હવે એર ચાઈના પણ ફલાઈટ સેવા શરુ કરશે. આ અંગે ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે એર ચાઈના બેઇજિંગ અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી રહી છે, આ પગલાને તેણે બંને દેશો વચ્ચે મુસાફરી, વેપાર અને વિશ્વાસ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.
બે દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાનો સંકેત
લગભગ પાંચ વર્ષના વિરામ બાદ ગત વર્ષે ભારત અને ચીને હવાઈ સેવાઓ ફરી શરૂ કરી છે. જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાનો સંકેત આપે છે. 1 ફેબ્રુઆરીના રોજ એર ઈન્ડિયાએ શાંઘાઈ અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઇટની જાહેરાત કરી હતી. જયારે ચીની એરલાઇન ચાઇના ઇસ્ટર્નએ પણ ગયા વર્ષે નવેમ્બરમાં શાંઘાઈથી દિલ્હી સુધીની ફ્લાઇટ્સ શરૂ કરી હતી.
વેપાર, પર્યટન અને વિશ્વાસને વેગ આપશે
ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે 'X' પર એક પોસ્ટમાં, લખ્યું કે બેઇજિંગ અને દિલ્હી વચ્ચે સીધી એર ચાઇનાની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી ફક્ત મુસાફરી પૂરતી મર્યાદિત નથી. તે એક એવું પગલું છે જે વેપાર, પર્યટન અને વિશ્વાસને વેગ આપશે. તેમજ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) અને BRICS ના સભ્ય દેશોના લોકો વચ્ચે પરસ્પર સહયોગ માટે એક મુખ્ય સકારાત્મક સંકેત તરીકે કામ કરશે.
વર્ષ 2020માં ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ સબંધો બગડ્યા હતા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે ચીને ફક્ત ચાર સૈનિકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જયારે તેની બાદ ઓગસ્ટ 2023 માં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. ત્યારે બંને નેતાઓ તણાવ ઓછો કરવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવવા સંમત થયા હતા.