Thu Sep 17 2026

Logo

અમદાવાદ બનશે અગનભઠ્ઠી, 5 દિવસ યલો એલર્ટની આગાહી, શહેરના 76 વિસ્તારો હીટ હોટસ્પોટ

2026-04-21 10:44:00
Author: Mayur Patel
અમદાવાદ બનશે અગનભઠ્ઠી, 5 દિવસ યલો એલર્ટની આગાહી, શહેરના 76 વિસ્તારો હીટ હોટસ્પોટ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી શહેરમાં પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. આ સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શનિવાર સુધી શહેર માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત શહેરના 76 વિસ્તારોને હીટ હોટ સ્પોટ તરીકે જાહેર કરાયા છે, જ્યાં હીટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
 
કોર્પોરેશનની આગાહી મુજબ, 21 અને 22 એપ્રિલે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે 26 અને 27 એપ્રિલે પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા લાંભા વોર્ડમાં સૌથી વધુ 12 હોટસ્પોટ છે. આ સિવાય રામોલમાં 10, વસ્ત્રાલમાં 6, વટવામાં 3 અને રાણિપમાં 3 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે. ઈસનપુર, દાણીલીમડા, બહેરામપુરા, સ્ટેડિયમ, ઈન્ડિયા કોલોની, સરદારનગર અને બોડકદેવ જેવા વિસ્તારોમાં પણ હોટસ્પોટ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે.

નાગરિકો માટે AMCની માર્ગદર્શિકા

હવામાન વિભાગ દ્વારા શહેરમાં સેટેલાઈટ ડેટા અને AI ટેકનોલોજી દ્વારા શહેરના 76 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે. આગામી એક સપ્તાહ દરમિયાન બપોરે 12 થી 5 દરમિયાન સાવચેત રહેવા મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે. તેમજ નાગરિકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

  • બહાર નીકળતી વખતે સાથે પાણીની બોટલ રાખવી.
  • લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી જેવા પ્રવાહીનું વધુ સેવન કરવું.
  • તાજા ફળો અને શાકભાજી ખાવા; તીખું, વધુ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ટાળવો.
  • ચા, કોફી અને સોડા પીવાનું ટાળવું.
  • બહાર જતી વખતે છત્રી, ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો.
  • શક્ય હોય તો બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું.
  • હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા.
  • બાળકો, વડીલો અને ગર્ભવતી મહિલાઓની ખાસ કાળજી લેવી.