Sun Sep 13 2026

Logo

અમદાવાદના વટવામાં વકીલ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી પૂર્વ પ્રેમીએ સગાઈ તોડાવી

2026-03-19 16:38:00
Author: Devayat Khatana
અમદાવાદના વટવામાં વકીલ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી પૂર્વ પ્રેમીએ સગાઈ તોડાવી

અમદાવાદ: શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાં રહેતી અને વ્યવસાયે વકીલ એવી ૨૭ વર્ષીય યુવતીએ તેના પૂર્વ પ્રેમી અને તેની માતા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદ મુજબ, યુવતી અને આરોપી પ્રેમી વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો, પરંતુ પ્રેમી કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી અને વ્યસની હોવાથી યુવતીએ આ સંબંધ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ યુવતીના પરિવારે તેની સગાઈ અન્ય જગ્યાએ નક્કી કરતા, ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીના પરિવારને બદનામ કરવાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે કે, આરોપીએ યુવતીના મમ્મી-પપ્પાને ફોન કરી ગંદી ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે, "જો યુવતીના લગ્ન મારી સાથે નહીં કરો તો હું તમારા પરિવારને જાનથી મારી નાખીશ." 

આટલું જ નહીં, આરોપીએ યુવતીની સગાઈ જેની સાથે થઈ હતી તે યુવકને પણ ખોટી વાતો કરી બદનામ કરી હતી, જેના કારણે યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. આ સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અંતે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સગાઈ તૂટી જવાની બીકે ફરિયાદીએ અગાઉ ફરિયાદ કરી નહોતી, પરંતુ આરોપીઓ દ્વારા સતત ત્રાસ અપાતો હોવાથી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.