Sat Sep 12 2026

Logo

અમદાવાદમાં આજે આ રોડ  રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ અને શું છે કારણ

2026-08-12 09:13:22
Author: Mayur Patel
અમદાવાદમાં આજે આ રોડ  રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ અને શું છે કારણ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસર અને 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંજે 4.30 કલાકે રાયપુર બિગ બજારથી 300 ફૂટના વિશાળ તિરંગા સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે.

આ યાત્રા રાયપુર ચાર રસ્તા અને ખાડિયા ગેટ થઈ સારંગપુર ચાર રસ્તા ખાતે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી સંપન્ન થશે. યાત્રામાં હોમગાર્ડ, પોલીસ બેન્ડ, ફાયર વિભાગના જવાનો, સ્કાઉટ બેન્ડ સાથેના વિદ્યાર્થીઓ, રમતવીરો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે.

તિરંગા યાત્રાને પગલે નાગરિકોની સુવિધા માટે ટ્રાફિક વ્યવસ્થામાં નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે. AMTS અને BRTS બસોના કાલુપુરથી સારંગપુર થઈ એલિસબ્રિજ તરફ જતી બસોના રૂટ ડાઈવર્ટ કરાયા છે. કાલુપુરથી આસ્ટોડિયા સુધીના તમામ BRTS સ્ટેન્ડ બંધ રહેશે. આ ઉપરાંત  રાયપુર દરવાજાથી સારંગપુર, છબીલા હનુમાન, ખાડિયા ગેટ, બાલા હનુમાનથી સારંગપુર ચકલા, કાગડાપીઠ ટીથી આસ્ટોડિયા અને પારસી અગિયારીથી રાયપુર દરવાજા સુધીનો માર્ગ સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

તિરંગા યાત્રાના રૂટ પર 11 સ્થળોએ સ્વાગત સ્ટેજ અને દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.  AMC દ્વારા ખાસ થીમ આધારિત ટેબ્લો અને નાગરિકો માટે સેલ્ફી કોર્નર બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત AMC દ્વારા નાગરિકો માટે એક વિશેષ 'રીલ સ્પર્ધા'નું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. 31,000નું, બીજા ક્રમે આવનારને રૂ. 21,000નું અને ત્રીજા ક્રમે આવનારને રૂ. 11,000 રોકડ ઈનામ આપવામાં આવશે.