Thu Jun 18 2026

Logo

₹236 કરોડના ખર્ચે સુભાષબ્રિજનું થશે નવીનીકરણ, જાણો ક્યારથી શરૂ થશે

2026-03-06 10:13:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરના સૌથી વ્યસ્ત રહેતા સુભાષબ્રિજ પર તિરાડો પડ્યા બાદ સલામતીના ભાગરૂપે ગયા વર્ષે બંધ કરવામાં આવ્યો હતો. સુભાષબ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા બાદ ઇન્સ્પેકશન સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ત્યારબાદ હયાત સુભાષબ્રિજનું નવીનીકરણ અને તેની બાજુમાં બીજા બે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. રૂ. 236 કરોડના ખર્ચે બ્રિજનું નવીનીકરણ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી. આ માટે કામ શરૂ થયા બાદ બે વર્ષ જેટલો સમય લાગશે.

સૂત્રોએ જણાવ્યું કે, મ્યુનિ. બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 361 કરોડનો અંદાજ મૂકી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, તેમાં 236 કરોડનુ લોએસ્ટ ટેન્ડર આવતાં તેને ગ્રાહ્ય રાખવામાં આવ્યુ હતું. જોકે હયાત સુભાષબ્રિજના નવીનીકરણની કામગીરી સૌપ્રથમ હાથ ધરવાની અને નવ મહિનામાં તેને કાર્યરત કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, ટ્રાફિકની સમસ્યા હલ કરવા જૂના બ્રિજને પહેલાં શરૂ કરાશે, જૂના બ્રિજના નવીનીકરણની સાથે બન્ને બાજુ બ્રિજ બનાવવાની કામગીરી પણ ચાલુ કરાશે, જોકે તેમાં બે વર્ષ જેટલો સમય લાગશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ગુરુવારે સુભાષ બ્રિજના રિસ્ટોરેશન અને સાબરમતી નદી પર ટ્રાફિકની અવરજવર હળવી કરવા માટે તેની બંને બાજુએ બે નવા સમાંતર ટુ-લેન બ્રિજ બનાવવાના રૂ. 236 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ બ્રિજ છેલ્લા લગભગ ત્રણ મહિનાથી બંધ હોવાને કારણે આરટીઓ સર્કલ, વાડજ સર્કલ અને સાબરમતી રિવરફ્રન્ટ રોડના પૂર્વ પટ્ટામાં ટ્રાફિક જામની સમસ્યામાં વધારો થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલના બ્રિજ પર નવીનીકરણનું કામ પૂર્ણ થયા બાદ ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, નવો સુભાષબ્રિજ પહોળો અને ફોર લેન બનાવવામાં આવશે. અમદાવાદ વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેમજ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાન પદ માટે દાવેદારી કરી રહ્યું છે ત્યારે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે. આ માટે તંત્ર લાંબાગાળાના આયોજનને લઈને જૂના બ્રિજને તોડી નવો બ્રિજ બનાવશે.
 

ક્યારે બન્યો હતો સુભાષ બ્રિજ

એએમસીએ સુભાષ બ્રિજનું નિર્માણ 1973 માં કર્યું હતું. આ બ્રિજ 453.7 મીટર લાંબો અને 12.8 મીટર પહોળો છે. 4 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 4.30 વાગ્યાની આસપાસ જ્યારે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી, ત્યારે અધિકારીઓને બ્રિજ પર તિરાડ અંગેની ફરિયાદ મળી હતી. કેટલાક અધિકારીઓ તાત્કાલિક બેઠક છોડીને સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ બ્રિજની ડાબી બાજુના એક સ્પાનમાં તિરાડ અને સેટલમેન્ટ જોયું હતું. જેના પરિણામે સાંજે 6 વાગ્યાથી વાહનચાલકો માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.