અમદાવાદઃ અમદાવાદ રેલવે મંડળમાં માત્ર અઢી મહિનામાં ચેન પુલિંગની 484 ઘટના નોંધાઊ હોવાનું રેલવેએ જણાવ્યું હતું, જેમાંથી 449 ઘટનામાં કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે બાકીના કેસોમાં પ્રાથમિક તપાસ બાદ કાનૂની કારણોસર કેસ નોંધવામાં આવ્યા નહોતા. આ કેસોમાં કાર્યવાહી કરતાં રેલવે સુરક્ષા દળ દ્વારા 408 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ રૂ. 48,700 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી સ્ટેશન સ્તરે અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, વિરમગામ અને ગાંધીધામ ખાતે એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી. જ્યારે સેક્શન સ્તરે ગેરતપુર–અમદાવાદ, અમદાવાદ–વિરમગામ, ઉંઝા–પાલનપુર, સામાખ્યાલી–ભુજ તેમજ અમદાવાદ–સાબરમતીમાં વધુ ઘટનાઓ બહાર આવી હતી, જ્યાં આરપીએફ દ્વારા વધારાની દેખરેખ તથા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યા હતા.
એલાર્મ ચેન પુલિંગના મુખ્ય કારણોમાં ખોટી ટ્રેન અથવા કોચમાં ચડી જવું, સામાન રહી જવું અથવા સહપ્રવાસી રહી જવા જેવી પરિસ્થિતિઓ મુખ્યરૂપે નોંધાઈ હતી. આ કારણોને ધ્યાનમાં રાખીને આરપીએફ દ્વારા મુસાફરોને જાગૃત કરવા માટે નિયમિત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે તેમજ રેલવે કર્મચારીઓ સાથે વધુ સારું સમન્વય સ્થાપિત કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અલા હજરત એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ અને લોકશક્તિ એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનોમાં એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી, જેના પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે, તેમ રેલવેએ જણાવ્યું હતું.