અમદાવાદઃ શહેરના પોલીસકર્મીઓને લઈ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. તાજેતરમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્પમાં 543 અધિકારીઓ અને કર્મચારીઓ અત્યંત મેદસવી જણાયા હતા. જ્યારે 2999 કર્મચારઓને ઓવર વેઈટ શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ દળમાં વધી રહેલી શારીરિક અક્ષમતાના કારણે ઉચ્ચ અધિકારીઓએ ફિટનેસ વર્કશોપ, પરેડ ડ્રીલ અને ડાયટ કંટ્રોલના આદેશ આપ્યા હતા. અમદાવાદને દેશના સૌથી સુરક્ષિત શહેરોમાં રાખવાનું ગૌરવ લેનારા આ દળ માટે ઉપરોક્ત તારણોએ ફિટનેસ બાબતે કડક પગલાં લેવાની ફરજ પાડી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આધુનિક સમયમાં પોલીસ માટે સ્ટેમિના, રિફ્લેક્સિસ અને શારીરિક સજજતા ખૂબ જરૂરી છે. પોલીસ અધિકારીઓએ કટોકટીના સમયે પ્રતિસાદ આપવા માટે શારીરિક રીતે ફિટ હોવું જોઈએ. પોલીસિંગ ફિલ્ડ વર્ક છે અને ઘણીવાર તે ખૂબ તણાવપૂર્ણ હોય છે.
543 અધિકારીઓ અત્યંત મેદસ્વી
અત્યંત મેદસ્વી જણાયેલા 543 અધિકારીઓને વજન ઘટાડવા માટેના ખાસ વર્કશોપમાં મોકલવામાં આવ્યા છે. બાકીના કર્મચારીઓને સ્થિતિ વધુ વણસે તે પહેલાં તેમની જીવનશૈલી સુધારવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓએ એક સરળ ફોર્મ્યુલા તૈયાર કરી છે. જે મુજબ તળેલા નાસ્તામાં ઘટાડો, જમવાનો શિસ્તબદ્ધ સમય, નિયમિત પરેડમાં હાજરી અને રમતગમત તેમજ ફિટનેસ પ્રવૃત્તિઓમાં ફરજિયાત ભાગીદારી કરવામાં આી છે.
પોતાની કડક ફિટનેસ માટે જાણીતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે તેમને વધુ પડતો તળેલો ખોરાક, ખાસ કરીને બહારના ફેરિયાઓ પાસેથી ખાવાનું ટાળવાની સલાહ આપી છે. માત્ર વર્કશોપમાં હાજરી આપવાથી મદદ નહીં મળે, ખાવાની ટેવ અને સમયસરનો આહાર મહત્વપૂર્ણ છે.
DCP અને ACP રાખશે નજર
જેઓ ઉચ્ચ ફિટનેસ સ્ટાન્ડર્ડ જાળવે છે, તેમને તેમના અધિકારક્ષેત્રમાં અનફિટ કર્મચારીઓને ઓળખવાની જવાબદારી સોંપવામાં આવી છે. DCP અને ACP રેન્કના અધિકારીઓ તેમના પર ઉજર રાખશે. ફિટ થઈ જાઓ અથવા ડેસ્ક ડ્યુટી પર ટ્રાન્સફર થાવ તેઓ ઉપરથી સ્પષ્ટ આદેશ છે.
એક મહિલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સમજીએ છીએ કે પોલીસિંગ 24 x 7 ની નોકરી છે. કડક ડાયટ જાળવવો કે પૂરતો આરામ મેળવવો મુશ્કેલ છે. પરંતુ જ્યારે તમે દળમાં જોડાઓ છો, ત્યારે તમે આ વ્યવસાયની માંગ જાણો છો. જીવનશૈલીમાં ફેરફાર એ યુનિફોર્મનો જ એક ભાગ છે.
ડેટા શું કહે છે?
7 ડિસેમ્બર 2025 થી 5 ફેબ્રુઆરી 2026 વચ્ચે 968 કર્મચારીઓએ વેઇટ-મેનેજમેન્ટ વર્કશોપમાં હાજરી આપી હતી. 4 એપ્રિલ 2025 થી 22 જુલાઈ 2025 ના સમયગાળાની સરખામણીએ આમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયે 2031 અધિકારીઓએ આવા વર્કશોપમાં ભાગ લીધો હતો. હવે વિભાગે ઓવરવેઈટ કર્મચારીઓ માટે વર્કઆઉટ સત્રો અને વર્કશોપમાં હાજરી ફરજિયાત બનાવી છે. જોકે, અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે VVIP મૂવમેન્ટ અને બંદોબસ્ત ડ્યુટીને કારણે કેટલાક કર્મચારીઓ આ સત્રોમાં આવી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓમાં મેદસ્વિતા એક ચિંતાનો વિષય છે. જેના નિવારણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ માટે ખાસ પરેડ, ફિટનેસ ટિપ્સ, યોગાસન અને જંકફૂડ પર પ્રતિબંધ જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓ સ્વસ્થ અને ચપળ રહે તે માટે ફિટનેસ સુધારવા માટે દરરોજ 30 મિનિટ યોગ અને શારીરિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.