Thu Jun 18 2026

Logo

અમદાવાદમાં હનીટ્રેપનો ખેલ: ફેસબુક ફ્રેન્ડ હેતલે વેપારીને બોલાવ્યા, નકલી પોલીસે 30 લાખની ખંડણી માંગી!

2026-03-17 11:04:00
Author: Devayat Khatana
Article Image

AI Genrated Image


અમદાવાદ: આજના સમયમાં સોશિયલ મીડિયા માત્ર વાતચીત કે કનેક્ટ થવાનું માધ્યમ નથી રહ્યું. પરંતુ અમુક તત્વો માટે ફસાવીને રૂપિયા પડાવવાનું માધ્યમ પણ બની ગયું છે. આવો જ એક કિસ્સો અમદાવાદથી પ્રકાશમાં આવ્યો છે.  જેમાં શહેરના નરોડા વિસ્તારમાં ફેસબુક ફ્રેન્ડ દ્વારા હનીટ્રેપમાં ફસાવી વેપારી પાસે લાખો રૂપિયા પડાવવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને કિરાણા સ્ટોર ધરાવતા 54 વર્ષીય દિલીપભાઈ પટેલને હેતલ પટેલ નામની મહિલાએ ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી જાળમાં ફસાવ્યા હતા. ત્રણ મહિનાની વાતચીત બાદ મહિલાએ નરોડાના નાના ચિલોડા પાસે મુલાકાત માટે બોલાવી વેપારીને લૂંટવાનું કાવતરું રચ્યું હતું.

મુલાકાત બાદ હેતલ પટેલે વેપારીને પાલજ સુધી મૂકવા જવા જણાવ્યું હતું. રસ્તામાં ડભોડા ચાર રસ્તા પાસે જોગણી માતાના મંદિરે દર્શન કરવા ગાડી ઉભી રખાવી હતી, ત્યારે જ એક વગર નંબરની સિયાઝ ગાડીમાં ચાર શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સો પૈકી એકે પોલીસનો યુનિફોર્મ પહેરેલો હતો. તેઓએ ગાડીની તપાસ કરી વેપારીને ધમકાવ્યા હતા કે તેમની સાથે રહેલી છોકરી ડ્રગ્સ સપ્લાય કરે છે અને વેપારી તેને મદદ કરી રહ્યા છે, જેના બદલામાં તેમને આજીવન જેલની સજા થઈ શકે છે.

પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સોએ વેપારીનો ફોન આંચકી લીધો હતો અને તેમને જબરદસ્તી ગોધરા પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને ગાડીમાં બેસાડી હિંમતનગર તરફ લઈ ગયા હતા. ચાલુ ગાડીમાં કેસ પતાવવા માટે આરોપીઓએ વેપારી પાસે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગભરાયેલા વેપારીએ પોતાના મિત્ર દીપકભાઈ પાસેથી 3 લાખ રૂપિયા મંગાવી એરપોર્ટ રિંગ રોડ પાસે કેબલ બ્રિજ નજીક આરોપીઓને આપ્યા હતા. બાકીના પાંચ લાખ માટે આરોપીઓ સતત દબાણ કરી રહ્યા હતા.

આ ઘટના બાદ જ્યારે વેપારીને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ ટોળકી રામોલ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગઈ છે, ત્યારે તેમણે હિંમત દાખવી નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હેતલ પટેલ અને 'રવિ' નામના શખ્સ સહિત અન્ય ચાર શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.