Sat Sep 05 2026

Logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના એક મહિના પછી શહેરને મળશે નવા મેયર

2026-05-20 12:51:00
Author: Mayur Patel
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના એક મહિના પછી શહેરને મળશે નવા મેયર

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 26 એપ્રિલે યોજાઈ હતી અને 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 26 મે ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત થઈ શકે છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામની 26 મે ના રોજ યોજાનારી સામાન્ય સભામાં જાહેરાત કરાશે.

28 એપ્રિલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 160 બેઠક સાથે ભાજપ સતત પાંચમી વખત સત્તામાં આવ્યો હતો. નવી ટર્મમાં રોટેશન મુજબ ઓ.બી.સી.કેટેગરીમાંથી મેયરની પસંદગી થવાની હોવાથી મેયર પદ માટે થલતેજના હિતેશ બારોટ ઉપરાંત બોડકદેવ વોર્ડના ધરમશી દેસાઈના નામ મોખરે છે. આ ઉપરાંત શાહીબાગ વોર્ડમાંથી ચૂંટાયેલા જશુભાઈ ઠાકોર અને વેજલપુરમાંથી ચૂંટાયેલા રાજુભાઈ ઠાકોરના નામ પણ ચર્ચામાં છે.

ગત ટર્મમાં શહેરમાં 43મા મેયર તરીકે પ્રતિભાબેન જૈને કાર્યભાર સંભાળ્યો હતો. આ કારણથી જે મેયર બનશે તે શહેરના 44મા મેયર બનશે. ડેપ્યુટી મેયરની રેસમાં અસારવા વોર્ડના અનસૂયાબેન પટેલ તથા લાંભા વોર્ડના  ડોકટર ચાંદનીબેન પટેલના નામ મોખરે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પાલડી વોર્ડના જૈનિક પટેલ, ખોખરા વોર્ડના કમલેશ પટેલ ઉપરાંત બોડકદેવ વોર્ડમાંથી દેવાંગ દાણીના નામ ચર્ચામા છે.

હાલ રાજ્યમાં અમદાવાદ સહિત વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા શાસનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આગામી થોડા દિવસોમાં ગુજરાતના મોટા શહેરોને નવા મેયર અને શાસક મંડળ મળી જશે. રાજકીય વર્તુળોમાં હવે ભાજપ કોને શહેરોના પ્રથમ નાગરિક તરીકે પસંદ કરે છે તેની ચર્ચા ચાલી રહી છે.