Fri May 01 2026

Logo

વિધાનસભામાં અમદાવાદના આ કોંગ્રેસી ધારાસભ્યએ પૂછ્યા સૌથી વધુ સવાલ, ભાજપના 5 MLA એ ન પૂછ્યો એકપણ પ્રશ્ન

2026-03-07 10:05:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના સત્રની અત્યાર સુધીની કામગીરી દરમિયાન એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. અમદાવાદના કોંગ્રેસી ધારાસભ્યએ સૌથી વધુ સવાલ પૂછ્યા છે, જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત પાંચ ધારાસભ્યએ એકપણ પ્રશ્ન પૂછ્યો નથી.

અમદાવાદ શહેરમાં વિધાનસભાની 17 બેઠકો છે, જેમાં 15 બેઠક પર ભાજપનો કબજો છે. જ્યારે 2 બેઠક કોંગ્રેસ પાસે છે. 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના ફેબ્રુઆરી મહિનામાં 12 દિવસ ગૃહનું કામકાજ ચાલ્યું હતું. ગૃહના કામકાજ દરમિયાન ધારાસભ્યોએ તેમના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવાના હોય છે. અમદાવાદ શહેરના લોકોના અનેક પ્રશ્નો છે. નવા ભળેલા વિસ્તારોમાં અનેક સમસ્યાઓ છે પરંતુ ભાજપના ધારાસભ્યોને લોકોને મુશ્કેલી દેખાતી નથી.  

બંધારણીય રીતે મુખ્ય પ્રધાન કે કોઈપણ પ્રધાન પ્રશ્નો પૂછી શકતા નથી. ભાજપના બે ધારાસભ્યો આ યાદીમાંથી બાકાત રહે છે.  અમદાવાદ શહેરને લાગુ પડતી 15 બેઠકના ભાજપના ધારાસભ્ય પૈકી માત્ર 8 ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે કુલ 13 પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે વિપક્ષ કોંગ્રેસના ફક્ત બે ધારાસભ્યોએ 41 પ્રશ્નો પૂછ્યા હતા. 

અમદાવાદમાં ધારાસભ્યોએ જિલ્લામાં કેટલા ખેડૂતોને ટ્રેકટર સહાય આપવામાં આવી, ખેડૂતોને અપાયેલા વીજ જોડાણની સંખ્યા,  એમ.જે. ઈન્સ્ટિટ્યૂટમાં કેટલા લોકોને આંખના રોગની સારવાર અપાઈ, સિવિલ હોસ્પિટલમાં કેટલા બાળકોને જન્મજાત બહેરાશની સારવાર અપાઈ, વ્હીલી દીકરી યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા જેવા ફાલતુ પ્રશ્નો પૂછ્યા હતા.

અમદાવાદના કયા ધારાસભ્યએ કેટલા પ્રશ્નો પૂછ્યા

કોંગ્રેસના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સૌથી વધુ 22 પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે 19 સવાલ પૂછ્યા હતા. અમદાવાદ ભાજપના ધારાસભ્યોની વાત કરીએ તો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે એક, નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલે ત્રણ, નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ બે, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડીયાએ એક, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહએ એક, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને એક, મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે એક, દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલે ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા.

અમદાવાદ ભાજપના આ 5 ધારાસભ્યોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો

વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ તથા સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલે એક પણ પ્રશ્ન હજુ સુધી પૂછ્યો નથી.