Fri Jun 19 2026

Logo

મેટ્રિમોનિયલ સાઇટ પર ડાયવોર્સી હોવાનું કહી બે બાળકોના પિતાએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું, મહિલાએ નોંધાવી ફરિયાદ

2026-05-23 19:05:31
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદ: મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી જીવનસાથીની શોધ કરતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી એક ડાયવોર્સી મહિલાને લગ્નની ખોટી લાલચ આપી શારીરિક સંબંધ બાંધનાર સુરતના યુવક સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પોતે ડાયવોર્સી હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવનાર યુવક વાસ્તવમાં પરિણીત અને બે બાળકોનો પિતા હોવાનો ભાંડો ફૂટતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

ડાયવોર્સી પ્રોફાઇલથી પરિચય શરૂ થયો હતો

ફરિયાદની વિગતો મુજબ, નવા વાડજ વિસ્તારમાં રહેતી પીડિત મહિલાના વર્ષ 2006માં લગ્ન થયા હતા અને સંતાનમાં બે બાળકો છે. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા બંનેના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ વર્ષ 2025માં મહિલાએ પુનઃલગ્ન માટે એક જાણીતી મેટ્રિમોનિયલ સાઇટ પર પોતાની પ્રોફાઇલ મૂકી હતી. આ દરમિયાન સુરતમાં રહેતા પ્રકાશ ડોંડા નામના યુવકે તેનો સંપર્ક કર્યો હતો. પ્રકાશે મહિલાને વિશ્વાસમાં લેવા માટે ખોટું બોલ્યો હતો કે, "હું પણ ડાયવોર્સી છું અને વર્ષ 2022માં મારા છૂટાછેડા થઈ ગયા છે." ત્યારબાદ બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી. 

લગ્નની લાલચ આપીને અનેક વખત દુષ્કર્મ આચર્યું

બંને પ્રથમ વખત અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં મળ્યા હતા અને બાદમાં મહિલા સુરત ખાતે પ્રકાશનું ઘર જોવા પણ ગઈ હતી. પ્રકાશ તેને વિસનગર ખાતે આવેલા એક મંદિરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે મહિલાના માથામાં સિંદૂર ભરીને તેને પત્ની તરીકે સ્વીકારી હોવાનો દાવો કર્યો હતો. પત્ની તરીકે સ્વીકાર્યાનો ઢોંગ કર્યા બાદ, પ્રકાશ મહિલાને અમદાવાદના શાહીબાગ વિસ્તારની એક હોટેલમાં લઈ ગયો હતો. ત્યાં લગ્નનું વચન આપીને તેની સાથે પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ પણ તેણે અલગ-અલગ જગ્યાએ અનેકવાર શારીરિક શોષણ કર્યું હતું. 

મહિલા સુરત ખાતે તેના ઘરે પહોંચી તો ભાંડો ફૂટ્યો

પરંતુ પછી બન્યું એવું કે, થોડા સમય પછી પ્રકાશે મહિલાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. પ્રકાશના બદલાયેલા વર્તનથી શંકા જતાં મહિલા સીધી સુરત ખાતે તેના ઘરે પહોંચી હતી. ત્યાં પહોંચતા જ મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રકાશ ત્યાં તેની અસલી પત્ની અને બે બાળકો સાથે સુખી સંસાર ભોગવી રહ્યો હતો. જોકે, આ મહિલાને જોઈને પ્રકાશ ચોંકી ગયો અને સંતાઈ ગયો હતો. આ દરમિયાન આ મહિલા અને પ્રકાશની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી આ મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે આ મામલે દુષ્કર્મનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.