Fri Aug 21 2026

Logo

ગુજરાતમાં 3 પોલીસ અધિકારી સસ્પેન્ડ, ક્યા કેસમાં લેવાઈ ગયો ભોગે

2026-08-15 09:14:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં 3 પોલીસ અધિકારી સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદમાં મનપસંદ જીમખા દરોડા કેસમાં આ ત્રણ પોલીસ અધિકારીનો ભોગ લેવાયો હતો.

કયા 3 પોલીસ અધિકારી સસ્પેન્ડ

દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.વી ગોહિલ 
સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ ચૌધરી 
ડબગરવાડ ચોકીના પીએસઆઇ એ. એમ. પરમાર

શું છે સમગ્ર મામલો

2 ઓગષ્ટના રોજ અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગની ટીમે એક મોટી કાર્યવાહી કરીને શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબમાં મોટો દરોડો પાડ્યો હતો.  આ કાર્યવાહી દરમિયાન 180થી વધુ લોકો જુગાર રમતા ઝડપાયા હતા.  દરોડા દરમિયાન લાખો રૂપિયાની રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 4 ઓગસ્ટે તમામ આરોપીઓને પોલીસની 4 અને AMTSની 1 બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. સરકારી વકીલ તૃપ્તિ વ્યાસની દલીલ બાદ કોર્ટે 9 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ તેઓ જેલહવાલે છે, જ્યારે 178 આરોપીઓના જામીન મંજૂર કરાયા હતા. 8 ઓગસ્ટે મનપસંદ જીમખાનાને સિલ કરાયું હતું. 

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં ગોવિંદ ઉર્ફે ગામા પટેલ દ્વારા મોટા પાયે જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવા અંગે સ્થાનિક પોલીસને જાણ હોવા છતાં  દરિયાપુર પોલીસ અને શહેર પોલીસની એજન્સીઓ આંખ આડા કાન કરી રહી હતી. ભૂતકાળમાં પણ આ જ સ્થળેથી જુગાર ઝડપાઈ ચૂક્યો હોવા છતાં સ્થાનિક સ્તરે કોઈ કડક તપાસ કે કાયમી કાર્યવાહી કરવામાં આવી નહોતી.

મનપસંદ જીમખાના ક્લબમાં 'D-કંપની' સ્ટાઈલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને હાઈપ્રોફાઈલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. ક્લબમાં કુલ 22 ટેબલ ભાડે આપીને આ ખેલ ચલાવાતો હતો. આ નેટવર્કને ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો. સંચાલકો ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા ક્લબની મેમ્બરશીપથી માંડીને હાર-જીતના લાખો રૂપિયાની લેવડદેવડ માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, આ સ્થળ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. વર્ષ 2021માં સ્ટેટ મોનિટરિંગ સેલદ્વારા પાડવામાં આવેલી રેડ દરમિયાન પણ 150થી વધુ જુગારીઓ ઝડપાયા હતા અને અંદાજે રૂ. 85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતાં તત્કાલીન દરિયાપુર પીઆઈ,  પીએસઆઈ, સહિત 12 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.