Mon Sep 07 2026

Logo

અમદાવાદના ખાડિયામાં ભાજપની કારમી હાર, પહેલી વાર કોંગ્રેસની પેનલ જીતી

2026-04-28 15:25:00
Author: Mayur Patel
અમદાવાદના ખાડિયામાં ભાજપની કારમી હાર, પહેલી વાર કોંગ્રેસની પેનલ જીતી

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેર થઈ રહેલા પરિણામોમાં એક વોર્ડનું ચોંકાવનારું પરિણામ આવ્યું હતું. અમદાવાદના ખાડિયામાં ભાજપની કારમી હાર થઈ હતી. અહીં પહેલી વાર કોંગ્રેસની પેનલ જીતી હતી. ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં પ્રથમ વખત કોંગ્રેસ જીતતા રાજકારણ પર ગરમાયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપે કેવી રીતે આ ગઢ ગુમાવ્યો તેનો ઉચ્ચ કક્ષાએથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

ખાડિયામાં ભાજપ કેમ હાર્યું?

ખાડિયા વોર્ડમાં છેલ્લા ઘણાં સમયથી વધી રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં રોષ હતો. આ મુદ્દે ‘ખાડિયા બચાવ આંદોલન’ ચલાવતા આગેવાનો પૈકી એક અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા ભાજપની મુશ્કેલી વધી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના દિગ્ગજ નેતાઓને આ અપક્ષ ઉમેદવારને મનાવવા માટે મોકલ્યા હતા, પરંતુ સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

1980 માં ભાજપની સ્થાપના થયાના છ વર્ષ પછી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. એ સમયથી ખાડિયા વોર્ડ ભાજપનો ગઢ રહ્યો છે. જોકે હવે વર્ષ 2026 માં પરિસ્થિતિ બદલાઈ હતી. અમદાવાદનો ખાડિયા વિસ્તાર પોળનો વિસ્તાર છે. ઐતિહાસિક પોળો ધરાવતો વિસ્તાર કોમર્શિયલ બાંધકામને કારણે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે. વળી, પરિવારો મોટા થવાને કારણે સ્થળાંતર અને સમસ્યાઓના કારણે આ વિસ્તારમાં મૂળ અમદાવાદીઓ કે જેઓ ભાજપ સાથે જોડાયેલા હતા એમની સંખ્યા ઘટી હતી.  એસઆઇઆર બાદ અહીંથી 25,000 જેટલા મતદારોના નામ કમી થયા હતા. તેને પણ હારનું કારણ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ખાડિયામાં એક તરફ ભાજપ વિકાસના મુદ્દે મતો માંગ્યા હતા ત્યારે બીજી તરફ વિપક્ષ અને અપક્ષો જૂના શહેરના હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ થતા કોમર્શિયલ બાંધકામોને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.