અમદાવાદઃ ક્રિકેટ બાદ ફૂટબોલના મહાકુંભ ફિફા વર્લ્ડ કપનો આરંભ થઈ ગયો છે. ફૂટબોલ પ્રેમીઓ ફિફા વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોતા હતા. અમદાવાદમાં રહેતા દરેક લોકો મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ વિશે જાણે છે. પરંતુ એક રોચક વાત એ છે કે આ મેદાનનું નામ કેવી રીતે પડ્યું તે કોઈ જાણતું નથી. ઉપરાંત આ મેદાન પર ફૂટબોલ મેચ રમાઈ હોય તેને પણ ત્રણ દાયકાથી વધારે સમય થઈ ગયો છે. આ તમામ વર્ષો દરમિયાન, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ તેના નામ સિવાય બાકી બધી જ બાબતો માટે જાણીતું રહ્યું છે. આજે તે ગોલ, ટેકલ્સ કે સામાન્ય કિક મારવાને બદલે ભવ્ય ગરબાની રાતો, રાજકીય રેલીઓ અને જાહેર કાર્યક્રમો માટે વધુ જાણીતું છે.
ફિફા વર્લ્ડ કપના રોમાંચ વચ્ચે હાલ અમદાવાદમાં પણ ફૂટબોલનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વરાા 6.9 કરોડના ખર્ચે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી એક પણ મેચ રમાઈ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એક ફૂટબોલ ગ્રાઉન્ડ વિકસાવ્યું હતું. જોકે, આ પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો, જેના કારણે અહીં થનારી ફૂટબોલ પ્રેક્ટિસ અને મેચો રદ કરવી પડી હતી. હવે AMC એ આ મેદાનને ફરીથી તૈયાર કર્યું છે, જેમાં સબ-સોઇલ ડ્રેનેજ સિસ્ટમ, સંપૂર્ણ ઓટોમેટિક પોપ-અપ ઇરિગેશન સિસ્ટમઅને ઇલેક્ટ્રિકલ કામગીરીનો સમાવેશ થાય છે.
8 જુલાઈ, 2020 ના રોજ સ્પોર્ટ્સ ટર્ફ એન્ડ ગોલ્ફ એન્ટરપ્રાઇઝિસને આ કામનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ટેન્ડરની શરતો મુજબ આ કામ ચાર મહિનામાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે તેને મોડું પૂરું કર્યું હતું. ખર્ચમાં થયેલા વધારા અંગે AMC એ તેને મંજૂરી આપી દીધી હતી. ફૂટબોલ પ્રેક્ટિસ ગ્રાઉન્ડના ખર્ચમાં વધારો થવા પાછળના કારણોમાં સિવિલ કામો જેવા કે ફ્લોરિંગ, ટાઇલ્સ, લાકડાના ફ્રેમ, પ્લમ્બિંગ અને M-20 તથા M-25 સિમેન્ટ કોંક્રિટના વધારાના કામો સામેલ હતા, જેમાં ફિફા વર્લ્ડ કપ જેવા મોટા આયોજન માટે મેદાન લાંબા સમય સુધી ટકી રહે તે હેતુથી ફેરફાર કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો છે અને તેને નવરાત્રી તેમજ જાહેર કાર્યો માટે ભાડે આપવામાં આવે છે. ઘણા વર્ષો પહેલા સ્થાનિક લોકો અહીં ફૂટબોલ મેચોનું આયોજન કરતા હતા, તેથી કદાચ આ મેદાનનું નામ આવું પડ્યું હશે. ઘણા સ્થાનિકોના કહેવા પ્રમાણે, તેઓએ આ કહેવાતા ફૂટબોલ ગ્રાઉન્ડ પર ક્યારેય વિશ્વની આ સૌથી લોકપ્રિય રમત રમાતી જોઈ નથી. તેના બદલે, આ જગ્યાનો ઉપયોગ સામાન્ય રીતે એક જ સમયે અનેક ક્રિકેટ ટીમો દ્વારા રમવા માટે થાય છે.
2025નો વિવાદ અને ભાડાના દરમાં તફાવત
વર્ષ 2025માં આ મેદાન ફૂટબોલ મેચ માટે નહીં, પરંતુ તેના ભાડાને લઈને થયેલા વિવાદને કારણે સમાચારોમાં રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે નવરાત્રીની ઉજવણી માટે પ્લોટ ભાડે આપતી વખતે ભેદભાવપૂર્ણ નીતિ અપનાવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ મેદાન એક સંસ્થાને 10 દિવસના ગરબાના કાર્યક્રમ માટે રૂ. 16.16 લાખમાં ભાડે આપ્યું હતું. જ્યારે બીજી સંસ્થાને 10 દિવસના ગરબા યોજવા માટે માત્ર રૂ. 2 લાખ વસૂલવામાં આવ્યા હતા. આનાથી વિવાદ સર્જાયો હતો.
રમતગમતની સુવિધાઓ માટે AMC નું આયોજન
બીજી તરફ, AMC એ રૂ. 58 કરોડના ખર્ચે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું છે. 43890 ચોરસ મીટરમાં બનેલા આ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર ગેમ્સની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરનું ફૂટબોલ ગ્રાઉન્ડ પણ છે. તેમાં મૂવેબલ પોસ્ટ સાથેના બે કોર્ટ છે, અને આખું મેદાન કુદરતી ઘાસથી ઢંકાયેલું છે જેની જાળવણી સ્પ્રિંકલર સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.