અમદાવાદ: શહેરમાં પીજીની ફરિયાદોના કિસ્સાઓથી તો સૌ કોઈ વાકેફ છીએ પણ અમદવાદમાં ગુજરાત બહારના લોકોની દારૂપાર્ટીને કારણે સ્થાનિકોને પડતી અડચણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી ચોખાવાટીયાની પોળમાં ભાડેથી રહેતા બંગાળી કારીગરોની દારુ પાર્ટી પર સ્થાનિકે રેડ પાડી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. દારુપપાર્ટીના વિડિયો હોવા છતાં પોલીસે માત્ર પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
મળતી વિગતો અનુસાર, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી ચોખાવાટીયાની પોળમાં રહેતા બંગાળી કારીગરોની ચાલી રહેલી દારુ પાર્ટીનો એક રહીશે પહોંચીને વિડિયો ઉતારી લીધો હતો. જેમાં કારીગરો દારુની મહેફિલ માણતા નજરે ચડ્યા હતા. ત્યારબાદ આ મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. જો કે પોલીસ ફરિયાદમાં દારૂ મહેફિલને બદલે માત્ર પ્રોહિબિશન એક્ટની કલમો લગાવવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે મકાનમાં રહેતા ભાડુઆતોની નોંધણી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ થવી જોઈએ.
પોલીસ ફરિયાદની વિગતો જોવામાં આવે તો, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી ચોખાવાટીયાની પોળના ગેટ પાસે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતા અને બિભત્સ વર્તન કરતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. શુક્રવારની ચારેય આરોપીઓ પોતાની શરીર સ્થિતિનું ભાન ન હોય તેવી હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક રહીશ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવેલી જાણના આધારે કાલુપુર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આ કાર્યવાહી કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓમાં અર્જુનસિંહ પીતમસિંહ (રહે. આગરા, યુપી), સિંદુકુમાર હનુમાનપ્રસાદ પટેલ (રહે. નાલંદા, બિહાર), નરેંદ્ર મોહનસિંહ કુશ્વાહ (રહે. મેઘાણીનગર, અમદાવાદ) અને આશીષ નિતાઇ દાસ (રહે. સાઉથ વેસ્ટ બંગાળ) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ હાલ કાલુપુર વિસ્તારમાં રહીને નોકરી કરે છે. પોલીસે પંચોની રૂબરૂમાં આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી દારૂ પીવા અંગેનું કોઈ પાસ કે પરમિટ મળી આવ્યું નહોતું.
આ મામલે પોલીસે ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) અને ૮૫(૧) મુજબ ગુનો દાખલ કર્યો હતો. હાલ ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.