અમદાવાદ: આજના ટેકનોલોજીના સમયમાં જો સાવધાન ન રહેવામાં આવે તો માઠૂ પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે. આવો એક કિસ્સો અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી બહાર આવ્યો હતો. જેમાં ૩૦ વર્ષીય લુકમાન સાબીર હુસેન મન્સૂરી નામના યુવક સાથે શેરબજારમાં રોકાણ કરી મોટો નફો કમાવવાની લાલચે રૂ. ૨૧.૫૯ લાખની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી હતી. ગત ૧૩ નવેમ્બર ૨૦૨૫ થી ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન અજાણ્યા ઠગોએ લુકમાનને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી વિશ્વાસમાં લીધો હતો. શરૂઆતમાં નાના રોકાણ સામે વળતર આપી વિશ્વાસ કેળવ્યા બાદ ઠગોએ ફરિયાદી પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹૨૨,૦૫,૦૦૦ ભરાવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, ઠગ ટોળકીએ ફરિયાદીને 'S-HNWI' નામની એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જેમાં તેને શેરબજાર અને આઈપીઓ (IPO) માં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતો હતો. આ એપ્લિકેશનમાં ફરિયાદીનું રોકાણ અને નફો વધીને રૂ. ૧.૨૭ કરોડ બતાવવામાં આવતો હતો. જોકે, જ્યારે ફરિયાદીએ આ રકમ ઉપાડવા પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ સર્વિસ ફી પેટે કુલ રકમના ૨૦ ટકા વધુ નાણાંની માંગણી કરી હતી. છેવટે છેતરપિંડીનો અહેસાસ થતા લુકમાન મન્સૂરીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા મોબાઈલ ધારકો અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ ૬૧(૨)(એ), ૩૧૬(૨), ૩૧૮(૪) અને આઈટી એક્ટની કલમ ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર અજાણી લિંક્સ કે ગ્રુપમાં જોડાઈને અજાણ્યા વ્યક્તિઓના કહેવાથી રોકાણ ન કરવા અપીલ કરી છે.