Fri Apr 17 2026

Logo

અમદાવાદના દેત્રોજમાં ફૂડ પોઈઝનિંગ, 60થી વધુને અસર થતાં તંત્ર થયું દોડતું

2026-04-09 09:04:00
Author: MayurKumar Patel
Article Image

 

અમદાવાદઃ જિલ્લાના દેત્રોજ તાલુકામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. રાજપુરા ગામમાં ધાર્મિક પ્રસંગમાં સેવ-ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોની તબિયત લથડી હતી. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

રાજપુરા ગામે 8 એપ્રિલ મોડી રાત્રે યોજાયેલા એક ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. સેવ-ખમણી ખાધા બાદ થોડી જ મિનિટોમાં ગ્રામજનોને ઉલટી અને ઉબકા જેવી ફરિયાદો થવા લાગી હતી અને જોતજોતામાં 60થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. જેને લઈ સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા નોંધપાત્ર છે.

ફૂડ પોઈઝનિંગની ઘટનાથી તંત્ર દોડતું થયું હતું અને પીરસવામાં આવેલી સેવ ખમણીના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદની એક ગર્લ્સ હોસ્ટેલમાં 57 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ફૂડ પોઈઝનિંગ શું છે? 

ફૂડ પોઈઝનિંગ દૂષિત ખોરાક અને ખાવા-પીવાને કારણે થતી આરોગ્યની સ્થિતિ છે જેમાં પીડિતને ખેંચાણ, ઉબકા, ઉલટી અથવા ઝાડા જેવા લક્ષણો અનુભવાય છે. જ્યારે તંદુરસ્ત આહારની આદતોની વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા સલાહ આપવામાં આવે છે કે ખાદ્યપદાર્થોને લાંબા સમય સુધી ખુલ્લામાં ન છોડો, ફળો ખાતા પહેલા ધોઈ લો અથવા ગરમ પાણીમાં ઉકાળો. જોકે, ફૂડ પોઈઝનિંગથી બચવા માટે આ પૂરતું નથી.