Thu Apr 16 2026

Logo

ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનારી યુવતીનું પતિએ ગળું દબાવી કરી હત્યા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

2026-04-07 15:07:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં ચાર દિવસ પહેલા થયેલા પરિણીતાના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમમાં પરિણીતાનું મોત કુદરતી રીતે નહીં પણ પતિએ ગળું દબાવીને કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પત્ની પતિના અનૈતિક સંબંધના કારણે સતત છૂટાછેડા આપવા દબાણ કરતી હતી. જેનાથી કંટાળીને પતિએ તેને મોતને ઘાટ ઉતારી હતી.

મળતી વિગત પ્રમાણે, મૃતક યુવતીના 17 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જે બાદ 2022માં છૂટાછેડા લીધા હતા અને માતા-પિતાને ત્યાં રહેતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક ચાંદલોડીયામાં રહેતા યુવક સાથે થયો હતો. જે બાદ બંને પ્રેમમાં પડ્યા હતા અને પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ તેમના લગ્ન કરાવી દીધા હતા. 2024માં યુવતીએ પુત્રને જન્મ આપ્યો હતો. 

દોઢ વર્ષ પહેલા યુવતી તેના સાસરિયા સાથે નવા મકાનમાં રહેવા ગઈ હતી. આ સમયે તેને તેના પતિના કોઈ સ્ત્રી સાથે આડાસંબંધ હોવાની જાણ થઈ હતી. જેથી તેણે પતિને પૂછતાં બબાલ કરી હતી અને જો કોઈને વાત કરીશ તો શાંતિથી જીવવા નહીં દઉં તેવી ધમકી આપી હતી. ઘટનાના 20 દિવસ પહેલા તે પિયર આવી ત્યારે તેણે માતા-પિતાને આ સમગ્ર મામલે જાણ કરી હતી. 

તે સમયે માતા-પિતાએ તેને સમજાવીને સાસરીમાં મોકલી હતી. ચાર દિવસ પહેલા અચાનક મૃતકના સાસરીમાં ફોન આવ્યો કે, તમારી દીકરી બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેને ચક્કર આવતાં પડી ગઈ હતી અને ઉલટી થતાં મોત થયું છે. જોકે આ વાત પર મૃતક યુવતીના પિતાને શંકા જતા તેમણે ત્યાં પહોંચીને પોલીસને જાણ કરી હતી.

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. જેમાં યુવતીનું ગળું દબાવવાથી મોત થયું હોવાનો રિપોર્ટ આવતાં પોલીસે પતિની ધરપકડ કરી હતી.