Tue Oct 06 2026

Logo

સુરત પોલીસ બની 'દેવદૂત': તાપીમાં મોતની છલાંગ લગાવવા નીકળેલી મહિલાને ડિંડોલી પોલીસે ઉગારી!

2026-05-05 19:58:00
Author: Devayat Khatana
સુરત પોલીસ બની 'દેવદૂત': તાપીમાં મોતની છલાંગ લગાવવા નીકળેલી મહિલાને ડિંડોલી પોલીસે ઉગારી!

સુરત: શહેરના ડિંડોલી પોલીસ મથકની ટીમે માનસિક તણાવના કારણે જીવન ટૂંકાવવા નીકળેલી એક મહિલાને મોતના મુખમાંથી ઉગારી લઈને પ્રશંસનીય કામગીરી કરી છે. તાપી નદીના કિનારે આત્મહત્યા કરવાના ઈરાદે પહોંચેલી આ મહિલાએ ફિનાઈલ પી લીધું હતું, પરંતુ પોલીસે સમયસૂચકતા અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી તેને સહી-સલામત બચાવી લીધી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સુરક્ષા માટે પોલીસ સતર્ક હોવાનું આ કિસ્સામાં ફરી એકવાર સાબિત થયું છે.

બનાવની વિગતો મુજબ, 5 મે 2026ના રોજ બપોરે 12:56 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો, જેમાં કોલર પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. ડિંડોલી પોલીસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ તરત જ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ મહિલા સાથે વીડિયો કોલ પર વાત ચાલુ રાખી તેને વાતોમાં ગૂંચવી રાખી હતી, જેનાથી તેનું લોકેશન ઉમરા પોલીસ મથકની હદમાં હોટલ મેરિયટ નજીક તાપી નદીના કિનારે હોવાનું જાણવા મળ્યું હતું.  

લોકેશન મળતાની સાથે જ પોલીસે સ્થાનિક નાગરિકોની મદદથી તાપી કિનારે બેઠેલી મહિલાને પકડી લીધી હતી અને નદીના કિનારાથી સુરક્ષિત રીતે બહાર લાવી હતી. મહિલાએ અગાઉથી જ ફિનાઈલ પી લીધું હોવાથી તે અસ્વસ્થ જણાતી હતી, જેથી પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ સાથે જ તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. જીવન ટૂંકાવવા ગયેલી મહિલાનો જીવ બચાવવા બદલ ડિંડોલી પોલીસની ટીમની ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે.