Sun Sep 13 2026

Logo

રાજ્યના જેમ્સ-જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત, અમદાવાદ એરપોર્ટ પરથી પર્સનલ કેરેજ સર્વિસ શરૂ

2026-07-31 21:43:41
Author: Mumbai Samachar Team
રાજ્યના જેમ્સ-જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત, અમદાવાદ એરપોર્ટ પરથી પર્સનલ કેરેજ સર્વિસ શરૂ

અમદાવાદઃ ગુજરાતના જ્વેલરી ઉદ્યોગ માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ કસ્ટમની નવી SOPથી એરપોર્ટ પરથી નવી પર્સનલ કેરેજ સુવિધા શરૂ થવાની છે. આનાથી ઝવેરાત ઉદ્યોગ માટે મોટી સુવિધા ઊભી થશે. અમદાવાદ કસ્ટમે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પર્સનલ કેરેજ સુવિધા શરૂ કરી છે. જેના થકી હવે રત્ન અને ઝવેરાતની આયાક-નિકાસ સરળ થશે.આ નિર્ણયથી મુંબઈ અને દિલ્હીમાં જે રીતે સરળતાથી પર્સનલ કેરેજ ચાલે છે એમ અમદાવાદમાં પણ આ સર્વિસથી અનેક ફાયદા થશે. અમદાવાદ એરપોર્ટ પરથી પણ જેમ્સ એન્ડ જ્વેલરી પર્સનલી કેરેજ કરી શકાશે. 

મોટી રાહત ઊભી થશે

આ પ્રકારની નવી વ્યવસ્થાથી નિકાસ પ્રક્રિયામાં પણ એક પારદર્શિતા, ઝડપ, ક્લિયરન્સ તથા નિયમ સાથે એકરૂપતા જળવાશે. આ સાથે વેપારીઓને પણ દસ્તાવેજી પ્રક્રિયામાં સ્પષ્ટ માર્ગદર્શન મળતા ક્રોસ બોર્ડર શિપમેન્ટમાં ફાયદો થશે. દુનિયાના સૌથી મોટા ડાયમંડ-કટિંગ પોલીશિંગ કેન્દ્ર સુરતને પણ મોટો ફાયદો થશે.સુરતમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ કિંમતી રત્ન અને ઝવેરાતને વિદેશમાં મોકલે છે.

આ નિર્ણયથી ગુજરાતના રત્ન-ઝવેરાત સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. નિકાસમાં સરળતા થશે અને વધારો પણ નોંધપાત્ર રીતે થશે. આનાથી એક રીતે સ્પર્ધા પણ વધશે. તા.27 જુલાઈથી અમલમાં આવેલી આ સર્વિસ અંતર્ગત નિકાસકારોએ ઓછામાં ઓછા 24 કલાક પહેલા ICEGATE પર શિપિંગ બિલ મોકલવાનું રહેશે. જ્યારે આયાત કરનારાઓએ આગમન પહેલા જ બિલ ઓફ એન્ટ્રીમાં પર્સનલ કેરેજનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. સૌથી મોટો ફાયદો એ થશે કે, દસ્તાવેજોની ચકાસણી, માલની તપાસ, કસ્ટમ સિલિંગ તથા જે તે સંબંધીત પક્ષોનો પણ ઉલ્લેખ કરાયો છે. 

નિકાસને વેગ મળશે

ઉદ્યોગો અને કસ્ટમ વચ્ચે સંકલન સાધીને એક કાર્યકારી માળખું ઊભું કરવામાં આવ્યું છે. જે આવનારા સમયમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે અને રાજય સ્તરે નિકાસને વેગ આપી શકે છે. આ સુવિધાથી નિકાસકારોને FOU, SEZ, નામાંકિત એજન્સીઓ સહિત FTP અને HBP હેઠળ મંજૂર સંસ્થાનો લાભ મળી રહેશે.

અમદાવાદ એરપોર્ટ પરથી જ વ્યક્તિગત રીતે પરિવહન મારફતે નિયમબદ્ધ અને ઝડપી નિકાસની સુવિધા ઊભી થતા વેપારીઓનો સમય બચી જશે. આ સાથે લોજીસ્ટિક ખર્ચો પણ બચી જશે. હાલમાં મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, જેવા એરપોર્ટ પરથી આ સુવિધા મળી રહી છે.  આ યાદીમાં હવે અમદાવાદનું નામ પણ ઉમેરાઈ ગયું છે. આનાથી રાજ્યના જ્વેલરી ઉદ્યોગને સુવિધા અને નિકાસને વેગ મળશે.