Sun Sep 13 2026

Logo

33  વર્ષ બાદ વાઘે ગુજરાતમાં સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું! અન્ય એક વાઘ હોવાનો સંકેત

2026-02-22 09:56:00
Author: Devayat Khatana
33  વર્ષ બાદ વાઘે ગુજરાતમાં સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું! અન્ય એક વાઘ હોવાનો સંકેત

અમદાવાદ: એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન ગુજરાત હવે વાઘનું પણ નિવાસસ્થાન બન્યું છે અને આજે ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. રાજ્યમાં ૩૩ વર્ષથી વધુ સમય સુધી વાઘના વનવાસ બાદ એક વાઘે ગુજરાતની ધરતી પર પોતાનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. અગાઉ ૧૯૮૯ની ગણતરી પછી ગુજરાતને 'નોન-ટાઇગર સ્ટેટ' જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ એક વાઘ ગુજરાતમાં પ્રવેશ્યો હતો અને ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં રાજ્યએ સત્તાવાર રીતે 'ટાઇગર-બેરિંગ સ્ટેટ'નો દરજ્જો પુનઃ પ્રાપ્ત કર્યો છે. હાલમાં આ વાઘ પૂર્વ ગુજરાતના અંદાજે ૧૫૦ ચોરસ કિમી વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠો છે.

આ સફળતાને પગલે ગુજરાત વન વિભાગ હવે રાજ્યને 'ટાઇગર સ્ટેટ' બનાવવા માટે કમર કસી રહ્યું છે. મુખ્ય વન સંરક્ષકે જણાવ્યું હતું કે, વાઘના રહેઠાણ વિસ્તારમાં પાણીનું વ્યવસ્થાપન અને ખોરાક માટેના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા જેવા મહત્વના કાર્યો કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા અત્યાધુનિક ૧૦૦ કેમેરા ટ્રેપ્સ મંગાવવામાં આવ્યા છે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી રહી છે. 

અત્રે એ નોંધવું રહ્યું કે વન વિભાગના નિરીક્ષણ દરમિયાન વનકર્મીઓને વાઘના વિસ્તારમાં ઝાડ પર નહોરના નિશાન મળી આવ્યા છે, જે સામાન્ય રીતે અન્ય વાઘને પોતાની હાજરીની જાણ કરવા અથવા પ્રદેશ નક્કી કરવા માટે કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત પગના નિશાનમાં જોવા મળેલી વિવિધતાને કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં કદાચ બીજા વાઘનું પણ આગમન થયું હોઈ શકે છે. જોકે, હજુ સુધી આ બાબતની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સર્વેલન્સ વધુ તેજ કરી દેવામાં આવ્યું છે.