અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કરેલી લ્હાણીને લઈને ABVP મેદાને આવ્યું છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા કાર્યકાળ પૂરો થયા બાદ વિવાદમાં સપડાયા છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લ્હાણી કરી હોવાનો ABVP દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે. જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે 7 ઑગસ્ટે, શુક્રવારના રોજ ABVPના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો.
પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ તેમની 3 વર્ષની ટર્મ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના 10.93 કરોડ રૂપિયા વધારાના પગાર ખર્ચમાં વાપર્યા હોવાનો ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી પૂર્વ કુલપતિએ ખુલ્લા હાથે કરેલી લ્હાણીને લઈને વિરોધ નોંધાવી ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી. ABVPની રજૂઆતને આધારે યુનિવર્સિટી દ્વારા ત્રણ સભ્યની તપાસ કમિટી બનાવવામાં આવી છે. જો કે તપાસ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલા જ ફરી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દેખાવો કરી કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ઇન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ
શુક્રવારે સુટકેસ ભરીને ABVPના કાર્યકર્તાઓ નકલી નોટો લઈને આવ્યા હતા. ઇન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. કડક કાર્યવાહી ન થતા ABVP ના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે. કડક કાર્યવાહીની માંગ સાથે વિદ્યાર્થીઓએ કુલપતિની ઓફિસમાં ધરણા પ્રદર્શન કર્યું હતું.
ABVPએ નાટક રજૂ કરી આક્ષેપ કર્યાં
ABVPની એક વિદ્યાર્થીની નીરજા ગુપ્તા બની અને અન્ય કાર્યકર્તા પાવન પંડિત સહિતના ખોટી રીતે ડિરેક્ટર બન્યા, આ પ્રમાણે વિદ્યાર્થીઓ નાટક રજૂ કરીને વિદ્યાર્થીઓની ફી પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના મળતિયાઓને સેટ કરવા માટે લીધી હોવાનું નાટક કરી આક્ષેપ કર્યો છે.
રજીસ્ટ્રારે કાર્યવાહીની ખાતરી આપી
રજીસ્ટ્રારે ABVPના કાર્યકર્તાઓને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી સમજાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં મોટી સંખ્યામાં ABVP ના કાર્યકર્તાઓએ એકઠા થઇ હલ્લાબોલ કર્યો હતો.