બેલફાસ્ટઃ આયરલૅન્ડ સામે બીજી ટી20માં ભારતનો રવિવારે 1 રનથી પરાજય થયો હતો. આ સાથે ભારત સીરિઝ પણ હાર્યું હતું. આયરલૅન્ડે પ્રથમ વખત ભારત સામે સીરિઝ જીતી હતી. આયરલૅન્ડે પ્રથમ બૅટિંગ કરતાં 8 વિકેટે 154 રન બનાવ્યા હતા. ભારતે જવાબમાં 20 ઓવરમાં જ વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા. 155 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી. પ્રથમ ઑવરમાં જ બંને ઓપનર ગોલ્ડન ડકનો શિકાર બન્યા હતા. આ સાથે અભિષેક શર્માના નામે એક અણગમતો રેકોર્ડ નોંધાઈ ગયો હતો. તે ચાલુ વર્ષે ટી20 ઈન્ટરનેશનલમાં છઠ્ઠી વખત ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો અને તમામ પ્રકારના ટી20 ક્રિકેટમાં નવમી વખત શૂન્ય રન પર આઉટ થયો હતો.
આ 9 ડક ટી20 ક્રિકેટમાં કોઈપણ ખેલાડી દ્વારા કેલેન્ડર વર્ષમાં સંયુક્ત રીતે સૌથી વધુ છે. અભિષેક પહેલાં, માત્ર અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને પાકિસ્તાનના શાદાબ ખાને તમામ ટી20 મેચોમાં એક કેલેન્ડર વર્ષમાં 9 ડક નોંધાવ્યા હતા.
અભિષેક હવે 2026માં ભારત માટે તેની 15 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાંથી 6 મેચમાં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતી વખતે પણ 3 ડક નોંધાવ્યા હતા. ચાલુ વર્ષે ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં તેના 6 ડક એ એક કેલેન્ડર વર્ષમાં કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ છે.
એક કેલેન્ડર વર્ષમાં ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ ડકનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના સેમ અય્યુબના નામે છે. 2025માં 29 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 7 વખત શૂન્ય રને આઉટ થયો હતો. સેમ ઉપરાંત, રવાંડાના બે બેટ્સમેનોએ પણ ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં એક કેલેન્ડર વર્ષમાં 7-7 ડક નોંધાવ્યા છે.
આ અણગમતા રેકોર્ડ પણ બન્યાં
ટી20 ઈન્ટરનેશનલમાં ભારતના બંને ઓપનર ગોલ્ડન ડકનો શિકાર બન્યા હોય તેવી ત્રીજી ઘટના હતી. 2016માં રોહિત અને રહાણે જયારે 2023માં ગિલ અને યથસ્વી ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા.
સંજુ સેમસન તેની ટી20 ઈન્ટરનેશનલ કરિયરમાં બીજી વખત પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. આ ઉપરાંત અન્ય કોઈ ભારતીય ઓપનર ઈનિંગની પ્રથમ બોલ પર એકથી વધુ વખત આઉટ થયો નથી.