કોલકાતાઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં દિલ્હી કૅપિટલ્સ વતી રમી ચૂકેલા વિકેટકીપર-બૅટ્સમૅન અભિષેક પોરેલની મુશ્કેલી વધી ગઈ છે. કોલકાતા હાઈ કોર્ટે તેની ધરપકડ કરવાનો પોલીસને આદેશ આપ્યો છે. માત્ર પોરેલ નહીં, બીજા બે જણને પણ પકડવાનો હુકમ અદાલતે બહાર પાડ્યો છે. પોરેલના તમામ ઇલેકટ્રોનિક્સ ડિવાઇસ જપ્ત કરવાની સૂચના પણ મોગરા પોલીસ વિભાગને અપાઈ છે.
તબીબી ક્ષેત્રની એક વિદ્યાર્થિની પર બળાત્કાર કરવાનો અભિષેક પોરેલ (Abhishek Porel) પર આક્ષેપ છે. આ છોકરીએ પોલીસને અને અદાલતને જણાવ્યું છે કે પોરેલે તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો તેમ જ બન્નેના આ સંબંધને લગતી ઘટનાઓને રેકૉર્ડ કરી લીધી હતી. પોરેલ તમામ આક્ષેપો નકારી ચૂક્યો છે.
23 વર્ષનો અભિષેક પોરેલ 2026ની આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી ચાર મૅચ રમ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે બંગાળ વતી રમે છે. અદાલતે તેના તમામ ડિવાઇસ જપ્ત કરવાનો પોલીસને આદેશ આપ્યો એ પાછળનું કારણ એ છે કે તે કોઈને ફરિયાદી છોકરીની તસવીરો તથા વીડિયો કોઈને શૅર ન કરી શકે.
વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે અભિષેક પોરેલ સાથે જાન્યુઆરી, 2023માં પહેલી વાર તેનો સંપર્ક થયો હતો. ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને એક દિવસ તેના (વિદ્યાર્થિનીના) મમ્મી-પપ્પા બહારગામ ગયા હતા ત્યારે પોરેલ તેને મનકુંડૂ વિસ્તારમાં પોતાના ફ્લૅટ પર તેને લઈ ગયો હતો અને તેને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. ત્યાર બન્નેના પરિવારે લગ્ન બાબતમાં ચર્ચા કરી હતી, પરંતુ વાત આગળ નહોતી વધી અને વિદ્યાર્થિનીએ ગયા મહિને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વિદ્યાર્થિનીએ ફરિયાદમાં કહ્યું છે કે ત્રણ વર્ષથી પોરેલ સાથે તેના સંબંધો હતા, પણ ગયા વર્ષે બન્ને વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા હતા અને આરોપીએ કથિત રીતે તેની સાથે અંતર બનાવવાનું શરૂ કરી દીધું હતું તેમ જ મારપીટ પણ કરી હતી. વિદ્યાર્થિનીના મતે પોરેલે તેને લગ્ન (Marriage)નું વચન આપ્યું હતું, પણ હવે લગ્ન કરવા તૈયાર નથી.