નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે, જેને લઈને આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને રાઘવ ચઢ્ઢાના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલને નવા ઉપનેતા તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણય બાદ આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદની ચર્ચા થઈ રહી છે. મુદ્દે હવે સાંસદ રાઘવ ચઢ્ઢાની સત્તાવાર પ્રતિક્રિયા પણ પ્રકાશમાં આવી છે.
રાઘવ ચઢ્ઢાએ એક્સ પર એક વીડિયો શેર કર્યો
પાર્ટીએ તેમને પદ પરથી દૂર કર્યા તે પછી રાઘવ ચઢ્ઢાની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. આ નિર્ણય માટે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પાર્ટીને જવાબ આપ્યો છે, પરંતુ તેમાં કોઈ શબ્દોનો પ્રયોગ કર્યો નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો શેર કર્યો તેમાં ગૃહમાં આપેલા તેમના પ્રભાવશાળી ભાષણોની શ્રેણી શેર કરી છે. જેમાં તેઓ વાયુ પ્રદૂષણ, વધતા વિમાન ભાડા, કામદારોના અધિકારો અને મોબાઇલ રિચાર્જ યોજનાઓ અંગે સરકારને સવાલો કરતા હતા તેનો વિવરણ કર્યું છે.
આ વીડિયો સાથે કોઈ કેપ્શન લખ્યું નથી; તેના બદલે, તેમણે ફક્ત 'નજર'ના ઇમોજીનો ઉપયોગ કર્યો છે. આને ઘણીવાર દુષ્ટ નજરથી બચવા અને નકારાત્મક ઉર્જાને દૂર રાખવાનું પ્રતીક માનવામાં આવે છે. મહત્વની વાત એ પણ છે કે, સાંસદ રાઘવ ચઢ્ઢાને પાર્ટીએ શા માટે પદ પરથી હટાવ્યા તે અંગે પાર્ટી દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
— Raghav Chadha (@raghav_chadha) April 2, 2026
રાઘવ ચઢ્ઢા મુદ્દે પાર્ટીએ કેમ આવો નિર્ણય લીધો?
છેલ્લા ઘણાં સમયથી રાઘવ ચઢ્ઢા AAP અને તેના વરિષ્ઠ નેતાઓને લગતા મુખ્ય મુદ્દાઓ પર મૌન રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલ સહિત આપ નેતાઓ જેલ મુક્ત થયા તે વખતે પણ રાઘવ ચઢ્ઢાએ ના તો કોઈ નિવેદન આપ્યું હતું કે, ના કોઈ પોસ્ટ કરી હતી. બની શકે કે, આમ આદમી પાર્ટી રાઘવ ચઢ્ઢાના આ વર્તનન કારણે નારાજ હોય અને આ નિર્ણય લીધો હોય! મૂળ વાત એ છે કે, અત્યારે અનેક પ્રકારની અટકળો અંગે ચર્ચાઓ થઈ રહી છે.