Sun Jul 26 2026

Logo

ઝારખંડ: રામગઢમાં ટ્રક અને પેસેન્જર વાહનની જોરદાર ટક્કર, 7 લોકોના ઘટનાસ્થળે મોત, 1 ની હાલત નાજુક

2026-06-26 08:27:00
Author: Mumbai Samachar Team
Article Image

રામગઢઃ ઝારખંડના રામગઢ જિલ્લામાં શુક્રવારે (26 જૂન) રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. રામગઢ જિલ્લાના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના લારી પાસે એક મુસાફર વાહન અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં સાત લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

માહિતી અનુસાર, રામગઢ જિલ્લાના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના લારીમાં રામગઢ-બોકારો રોડ પર રાત્રે લગભગ 12 વાગ્યે એક ટ્રક અને મુસાફર વાહન વચ્ચે ટક્કર થઈ હતી. વાહનમાં સવાર 'તાશા પાર્ટી' (બેન્ડવાળા) ના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક રામગઢ સદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રામગઢ પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના મરાંગમાર્ચાના રહેવાસીઓ પણ સામેલ છે.

કોલસાથી ભરેલી હતી ટ્રક

મહત્વનું છે કે જે ટ્રકે મુસાફર વાહનને ટક્કર મારી હતી તે કોલસાથી ભરેલી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે 7 લોકોએ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો જામ કરી દીધો હતો, ત્યાર બાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની માહિતી મળતા જ રામગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રસ્તો જામ કરીને બેઠેલા લોકોને પોલીસ પ્રશાસન સમજાવવાનો પ્રયાસ કર્યો. આ અકસ્માત રામગઢ-બોકારો નેશનલ હાઈવે 23 પર થયો હતો. ગ્રામજનો દ્વારા રસ્તો જામ કરવાને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના લીધે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

પેસેન્જર વાહનનો કચ્ચરઘાણ વળી ગયો

આ દર્દનાક અકસ્માતમાં મુસાફરોથી ભરેલા વાહનનો કચ્ચરઘાણ વળી ગયો. પોલીસે ઉતાવળે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમાં 1 વ્યક્તિને વધુ સારવાર માટે રાંચીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં 8 લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 7 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 1 વ્યક્તિને વધુ સારી સારવાર માટે આગળ મોકલવામાં આવ્યો છે.