અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અમદાવાદના S G હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન પર લટકીને એક યુવકે આપઘાત કર્યો હતો. નિરમા યુનિવર્સિટી સામે બની રહેલી બહુમાળી ઈમારતમાં આ ઘટના બની હતી. મૃતકની ઓળખ પ્રીતમસિંહ (ઉ.વ.22) તરીકે થઈ હતી. તે મીળ ઝારખંડનો રહેવાસી હતો અને નિર્માણાધીન બિલ્ડિંગમાં ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો.
કેવી રીતે પડી ખબર
મળતી માહિતી મુજબ, બુધવારે સવારે S G હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગમાં કામ કરી રહેલા એક મજૂરની નજર ક્રેન પર પડી હતી. આ દરમિયાન તેણે એક યુવકની લાશ લટકતી જોતાં તાત્કાલિક પ્રોજેક્ટ એન્જિનિયરને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ સોલા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને રેસ્ક્યૂ ટીમે ભારે જહમત બાદ ક્રેન પરથી મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
પોલીસે શું કહ્યું
સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ કેસ આત્મહત્યાનો હોવાનું જણાય છે. જોકે, યુવકે આ પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. બાંધકામ હેઠળની ઇમારતમાં કામ કરતા મજૂરો અને અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના પહેલા પ્રીતમસિંહે કોઈની સાથે વાતચીત કરી હતી કે તેની કોઈ સાથે તકરાર થઈ હતી કે નહીં તે જાણવાની પોલીસે કવાયત હાથ ધરી છે.
પ્રોજેક્ટ એન્જિનિયરના જણાવ્યા મુજબ, સવારે એક મજૂરે તેમને ફોન કરીને ક્રેન પર યુવક લટકતો હોવાની માહિતી આપી હતી. હાલમાં યુવકના આત્મહત્યા કરવા પાછળનું કારણ રહસ્ય બનેલું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.