Sat Sep 12 2026

Logo

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, અંબાલાલે કરી નદીઓમાં પૂર આવવાની આગાહી

2026-07-21 10:21:00
Author: Mayur Patel
એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, અંબાલાલે કરી નદીઓમાં પૂર આવવાની આગાહી

અમદાવાદઃ હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન ખાતા મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સમુદ્રની સપાટીથી 3.1થી 4.5 કિમીની ઊંચાઈએ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. રાજસ્થાનના ગંગાનગરથી શરૂ થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી મોનસૂન ટ્રફ લંબાયેલું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું નવું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાંથી નીકળતો ટ્રફ દક્ષિણ છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થઈને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી વિસ્તરેલો છે. આ ત્રણેય સિસ્ટમના પ્રભાવથી રાજ્યમાં વરસાદ ફરી ધબધબાટી બોલાવશે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ખતરનાક વરસાદની આગાહી કરી છે.

આજે ક્યાં છે ઓરેન્જ એલર્ટ

આજના દિવસ માટે નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આશંકાને પગલે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 21 અને 22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના અન્ય ભાગો માટે 'યલો અલર્ટ' જાહેર કરાયું છે. 25 અને 26 જુલાઈ દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 25 જુલાઈએ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને અરવલ્લીમાં તથા 26 જુલાઈએ સાબરકાંઠા અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

અંબાલાલ પટેલે પણ કરી છે ખતરનાક આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ખતરનાક આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 22 જુલાઈથી ગુજરાતમાં વરસાદની નવી અને મજબૂત સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. જો સિસ્ટમ વધુ મજબૂત બનશે તો 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 થી 27 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. જેના કારણે નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે.  સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર સોમનાથ અને અમરેલીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જુલાઈના અંત સિવાય ઑગસ્ટમાં પણ સારો વરસાદ વરસી શકે છે.