Thu Sep 03 2026

Logo

ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST: સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો

2026-05-27 19:59:37
Author: Mumbai Samachar Team
ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST: સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો

ઓનલાઈન ગેમિંગ એ સટ્ટાબાજી અને જુગાર સમાન, પાછલી અસરથી ટેક્સ વસૂલાત બંધારણીય રીતે માન્ય

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર સરકારના ૨૮ ટકા જીએસટીના પાછલી અસરથી વસૂલાતને સમર્થન આપ્યું હતું અને અવલોકન કર્યું હતું કે આ પ્રકારનો અમલ બંધારણીય રીતે માન્ય છે.

ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ફક્ત મધ્યસ્થી નથી પરંતુ તેમને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલાત અને કરવેરા પરના વ્યવસ્થાને પાત્ર સપ્લાયર્સ તરીકે ગણવામાં આવે છે.

"ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિઓ, જેમાં ફેન્ટસી સ્પોર્ટ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ પર રમાતી અન્ય રમતોનો સમાવેશ થાય છે, જેમાં અનિશ્ચિત પરિણામો પર દાવ લગાવવાનો સમાવેશ થાય છે, જીએસટી માળખાના હેતુ માટે સટ્ટાબાજી અને જુગાર છે,"  તેવું બેન્ચે જણાવ્યું હતું.

"સટ્ટા અને જુગારમાંથી ઉદ્ભવતા કાર્યવાહીપાત્ર દાવાઓના પુરવઠા પર જીએસટી વસૂલાત બંધારણીય રીતે માન્ય છે અને તે બંધારણના અનુચ્છેદ ૩૬૬(૧૨) અને ૩૬૬(૧૨એ)નું ઉલ્લંઘન કરતી નથી," એમ સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને કર્ણાટક સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓની માન્યતાને પણ સમર્થન આપ્યું હતું જેમાં રમી અને પોકર જેવી કૌશલ્યની રમતો સહિત દાવ માટે રમાતી ઓનલાઈન રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૨૩માં જીએસટી  સત્તાવાળાઓએ કરચોરી માટે ઓનલાઈન ગેમિંગ કંપનીઓને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.

સરકારે જીએસટી કાયદામાં સુધારો કર્યો હતો, જેનાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ થી વિદેશી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે ભારતમાં નોંધણી કરાવવી ફરજિયાત બની હતી. ઓગસ્ટ, ૨૦૨૩માં, જીએસટી કાઉન્સિલે સ્પષ્ટતા કરી હતી કે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલા બેટ્સના સંપૂર્ણ મૂલ્ય પર ૨૮ ટકા જીએસટી વસૂલવામાં આવશે.

ગેમિંગ કંપનીઓએ  જીએસટી  માંગણીઓ સામે વિવિધ ઉચ્ચ અદાલતોમાં અરજી કરી હતી, જેમાં મહેસૂલ અધિકારીઓના દાવાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કેન્દ્રની અરજીને મંજૂરી આપી હતી અને નવ ઉચ્ચ અદાલતમાંથી ઈ-ગેમિંગ કંપનીઓ પર ૨૮ ટકા જીએસટી લાદવાને પડકારતી અરજીઓને અધિકૃત ચુકાદા માટે પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી.