Wed Aug 19 2026

Logo

જૂહુમાં ખુલ્લા નાળામાં પડી જવાથી ૨૪ વર્ષના યુવકનું મૃત્યુ

2026-06-27 21:00:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પશ્ર્ચિમ)માં  શનિવારે એક ખુલ્લા નાળામાં પડી જવાથી ૨૪ વર્ષના યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. આ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ જૂહુના જેવીપીડી સ્કીમમાં વી.પી. માર્ગ પરથી શનિવારે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ ૨૪ વર્ષનો નિહાલ નાઝિમ મિર્ઝા પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન ચૂકી જતા ત્યા ખુલ્લા રહેલા એક નાળામાં તે પડી ગયો હતો.

ઘટનાસ્થળે  તેને નાળામાં પડતા જોનારા  લોકોએ ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો.  ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ તેને નાળામાંથી બહાર કાઢ્યો હતો અને કૂપર હૉસ્ટિલમાં મોકલ્યો હતો. જોકે ફરજ પર હાજર રહેલા ડૉકટરે સારવાર મળે તે પહેલા જ તેને મૃત જાહેર કર્યો હતો. વી.પી. માર્ગ પર ખુલ્લા રહેલા નાળા બાબતે પાલિકાના સ્થાનિક અધિકારીએ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહોતો.