21મી જૂન એટલે માત્ર કેલેન્ડરની એક તારીખ નહીં, પણ કુદરત, વિજ્ઞાન, સ્વાસ્થ્ય અને કળાનો એક એવો અદભુત સંગમ જે આખા વર્ષમાં બીજી કોઈ તારીખે જોવા મળતો નથી. આ દિવસે આખી દુનિયા એક સાથે ચાર મોટા ઉત્સવો ઉજવે છે. ઈન્ટરનેશનલ યોગ ડે, વિશ્વ સંગીત દિવસ, વર્લ્ડ હાઇડ્રોગ્રાફી દિવસ અને ખગોળીય ઘટના 'સમર સોલસ્ટિસ' વર્ષનો સૌથી લાંબો દિવસ. પરંતુ, આ દિવસ પાછળ કેટલાક એવા 'હિડન ફેક્ટ્સ પણ જોડાયેલા છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ચાલો આ ઈન્ટરેસ્ટિંગ સિક્રેટ્સને રિવીલ કરીએ...
યોગ દિવસ માટે 21મી જૂન જ કેમ પસંદ કરાઈ?
આપણે બધા જાણીએ છીએ કે 21મી જૂને યોગ દિવસ ઉજવાય છે, પણ આ જ તારીખ કેમ? તેની પાછળ એક ઘાઢ આધ્યાત્મિક અને ભૌગોલિક કનેક્શન છે. આદિયોગી સાથે સંબંધ. ભારતીય સંસ્કૃતિ અને યોગ પરંપરા મુજબ, સૂર્ય દક્ષિણાયન થાય તે પછીની પ્રથમ પૂનમે ભગવાન શિવ કે જેમને આદિયોગી માનવામાં આવે છે તેમણે પોતાના પ્રથમ સાત શિષ્યો એટલે કે સપ્તર્ષિને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. 21મી જૂન એ સૂર્યના દક્ષિણાયન તરફ પ્રસ્થાનનું પ્રતીક છે. આ દિવસે પૃથ્વી પર સૂર્યપ્રકાશ સૌથી લાંબો સમય રહે છે, જે માનવ શરીરને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. આથી આધ્યાત્મિક સાધના માટે આ દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.
21મી જૂનઃ પૃથ્વીના બે હિસ્સા, બે અલગ અનુભવ!
જ્યારે 21મી જૂને ભારત સહિત સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, ત્યારે પૃથ્વીના બીજા છેડે એટલે કે દક્ષિણ ગોળાર્ધ જેમ કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં આનાથી બિલકુલ ઉલટું થાય છે. ત્યાં 21મી જૂન એ વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત હોય છે. એટલે કે આપણે જ્યારે ઉનાળાની લાંબી સાંજ માણી રહ્યા હોઈએ, ત્યારે ત્યાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ઘટનાને 'સમર સોલસ્ટિસ' કહે છે. 'Solstice' શબ્દ લેટિન ભાષાના Sol (સૂર્ય) અને Sistere (સ્થિર ઊભા રહેવું) પરથી બન્યો છે. આ દિવસે આકાશમાં સૂર્યની ગતિ જોતાં એવું લાગે છે કે સૂર્ય પોતાની જગ્યા પર થોડીવાર માટે સ્થિર થઈ ગયો છે. આ એક અદભુત ખગોળીય ભ્રમ છે જે માત્ર આ જ દિવસે અનુભવાય છે.
પેરિસની ક્રાંતિ જેમાંથી જન્મ્યો 'વર્લ્ડ મ્યુઝિકલ ડ્રેસ'
વર્લ્ડ મ્યુઝિક ડેની શરૂઆત 1982માં ફ્રાન્સના કલ્ચરલ મિનિસ્ટર જેક લેંગ દ્વારા કરવામાં આવી હતી, પણ તેની પાછળ એક હિડન ફેક્ટ છે. ફ્રાન્સમાં એક સર્વે થયો જેમાં જાણવા મળ્યું હતું કે દેશનો દર બીજો યુવાન કોઈ ને કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે. આ આંકડો જોઈને સરકારે નક્કી કર્યું કે કેમ ન વ્યાવસાયિક અને કલાપ્રેમી કલાકારોને એકસાથે રસ્તા પર લાવીને સંગીતની ઉજવણી કરવામાં આવે? જોકે, આ દિવસનો એક અલિખિત નિયમ છે અને એ નિયમ એટલે આ દિવસે રસ્તાઓ કે જાહેર સ્થળો પર થતા તમામ લાઈવ કન્સર્ટ લોકો માટે તદ્દન મફત હોય છે અને કલાકારો પણ પૈસા લીધા વિના પરફોર્મ કરે છે.
સમુદ્રના નકશા અને સુરક્ષાનો છુપો હીરો: હાઇડ્રોગ્રાફી દિવસ
આ જ દિવસે ઉજવાતો ચોથો મહત્વનો ઉત્સવ એટલે 'વર્લ્ડ હાઇડ્રોગ્રાફી ડે'. પૃથ્વીનો 70 ટકા ભાગ પાણીથી ઘેરાયેલો છે, છતાં આપણે મંગળ કે ચંદ્રના નકશા વિશે જેટલું જાણીએ છીએ, એટલું સમુદ્રના પેટાળ વિશે નથી જાણતા. 21મી જૂન એ વૈજ્ઞાનિકોને એ યાદ અપાવવાનો દિવસ છે કે વૈશ્વિક વેપાર અને જહાજોની સુરક્ષા માટે સમુદ્રના વણખેડાયેલા રસ્તાઓ શોધવા કેટલા જરૂરી છે.
ટૂંકમાં કહીએ તો 21મી જૂન એ કુદરત દ્વારા માણસને મળેલી એક અદભુત ભેટ છે, કારણ કે આ દિવસે બ્રહ્માંડ આપણને સૌથી વધુ પ્રકાશ આપે છે (સોલસ્ટિસ), આપણું વિજ્ઞાન સમુદ્રને માપે છે (હાઇડ્રોગ્રાફી), આપણું શરીર યોગથી તંદુરસ્ત બને છે અને આપણો આત્મા સંગીતથી ઝૂમી ઉઠે છે. છે ને આ એક જાદુઈ દિવસ!