Sun Aug 23 2026

Logo

માંજલપુરમાં 19 રાઉન્ડની મત ગણતરી કે 20 રાઉન્ડની મત ગણતરી? પંચની સાઈટમાં જ વિરોધાભાસ

2026-08-04 10:44:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ શહેરની માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના ગઈકાલે પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપના ઉમેદવારનો 30,630 મતથી વિજય થયો હતો. મત ગણતરી શરૂ થઈ હતી ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ પર 19 રાઉન્ડની મત ગણતરી બતાવતી હતી, પરંતુ બપોર બાદ 20 રાઉન્ડની મત ગણતરી બતાવતી હતી. ચૂંટણી પંચની સાઈટમાં જ આવો વિરોધાભાસ જોવા મળતાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી.

કોને કેટલા મત મળ્યા

ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ 20 રાઉન્ડની મત ગણતરી થઈ હતી. ભાજપના ઉમેદવાર સતિષ પટેલને 55,481 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24,851 મત મળ્યા હતા. 2247 મતદારોએ NOTAનું બટન દબાવ્યું હતું. ભાજપના ઉમેદવાર સતિષ પટેલની 30,630 મતથી જીત થઈ હતી. 30 જુલાઈએ યોજાયેલા મતદાન દરમિયાન આશરે 37.05 ટકા જેટલું જ મતદાન થયું હતું.

હાર બાદ કૉંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ શું કહ્યું?

પરિણામો જાહેર થયા બાદ ભાજપના ઉમેદવાર સતિષ પટેલે કહ્યું હતું કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભાજપ અને સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, પ્રચાર દરમિયાન કૉંગ્રેસને મળતા સારા પ્રતિસાદથી ડરીને ભાજપે આખા સરકારી પ્રશાસનનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના ધારાસભ્યોએ અહીં જામવડો કર્યો હતો. ભાજપે જીતવા માટે પાણીની જેમ પૈસા અને દારૂ વહેવડાવ્યા હતા. તેમજ કૉંગ્રેસના કાર્યકરો પર હુમલા કરાવ્યા અને મતદારોને ધમકાવ્યા હતા, જેના કારણે ઘણા લોકો મતદાન કરવા જઈ શક્યા નહોતા. આ ઉપરાંત તેમણે કહ્યું, પરિણામ ગમે તે આવ્યું હોય, તેઓ જનતાના નિર્ણયને માન આપે છે અને ભવિષ્યમાં પણ લોકોની સેવામાં સતત હાજર રહેશે.

કોણ છે સતીષ પટેલ

યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે સતીષ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી હતી. જેઓ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કારોબારી સભ્ય - ગુજરાત પ્રદેશ ભાજપ, છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન, ડિરેક્ટર - ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશન તથા છાણી ધમાકા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.

2022માં શું હતી સ્થિતિ

2022ની વિધાનસભા ચૂંટણીમાં માંજલપુર બેઠક પરથી ભાજપના યોગેશ પટેલનો ભવ્ય વિજય થયો હતો. તેમણે કૉંગ્રેસના ઉમેદવારને એક તરફી હાર આપી હતી. કૉંગ્રેસ સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. 2022ની ચૂંટણીમાં કુલ 2,63,602 નોંધાયેલા મતદારોમાંથી માત્ર 1,58,548 લોકોએ જ મતદાન કર્યું હતું, જેના કારણે મતદાનની ટકાવારી ઘટીને 60.15% પર આવી ગઈ હતી.

યોગેશ પટેલે કુલ મતના 77.43% એટલે કે  1,20, 133 મત મેળવીને રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી. કૉંગ્રેસના ડૉ. તશ્વીન સિંહને માત્ર 19,379 મત (12.49%) મળ્યા હતા, જે કૉંગ્રેસનો અત્યાર સુધીનો સૌથી ઓછો મતહિસ્સો હતો. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની હાર-જીતનું અંતર  64.94 ટકાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.

પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી AAPના વિનય સુભાષ ચૌહાણને 11,021 મત મેળવીને ત્રીજા સ્થાને રહ્યા હતા. 2022માં ભાજપ સિવાયના તમામ 7 ઉમેદવારો નિયમ મુજબ કુલ મતના છઠ્ઠા ભાગ જેટલા મત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે તે તમામની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.