Sun Aug 23 2026

Logo

જ્યાં આજે રણ છે ત્યાં એક સમયે નદીઓ વહેતી અને ખેતી થતી!: કચ્છના રણમાંથી ૧,૦૦૦ વર્ષ જૂની માનવ વસાહત મળી

2026-08-09 11:35:00
Author: Mumbai Samachar Team
Article Image

 ૧૦૦થી વધુ હાડપિંજરો અને પ્રાચીન અવશેષો ઉત્ખનનમાં પ્રાપ્ત થયા

ભુજ: ભાતીગળ પ્રદેશ કચ્છના અફાટ રણમાં પાકિસ્તાન સરહદ નજીકથી એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રાચીન માનવ વસાહતના પુરાવા મળી આવ્યા છે. કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધન દરમિયાન આ સાઇટ પરથી ૧૦૦થી વધુ માનવ હાડપિંજરો તેમજ ૧,૦૦૦થી ૧,૫૦૦ વર્ષ પુરાણા  માટીના વાસણો, તાંબાના સિક્કા, રમકડાં અને બાંધકામના અવશેષો મળી આવ્યા છે. પ્રાથમિક તબક્કે સંશોધકોએ આ સ્થળને 'બરબાદપુર' નામ આપ્યું છે. મળેલા અવશેષોની વિવિધતા પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ માત્ર એક સાધારણ રહેણાક વિસ્તાર નહોતો, પરંતુ એક સમયની અત્યંત વિકસિત અને સમૃદ્ધ માનવ વસાહત હતી.

આ પુરાતત્વીય સાઇટની શોધ સૌપ્રથમ વર્ષ ૨૦૨૪માં સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી હતી. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટી દ્વારા અહીં વૈજ્ઞાનિક ઉત્ખનન હાથ ધરાયું હતું, જેમાં પાછળથી ડેક્કન કોલેજ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનના નિષ્ણાતો જોડાયા હતા.

કચ્છ યુનિવર્સિટીના જિયોલોજિસ્ટ ડૉ. ગૌરવ ચૌહાણના જણાવ્યા અનુસાર, ઉત્ખનનમાં મળી આવેલા તમામ ૧૦૦થી  વધુ હાડપિંજરોમાં એક વિશિષ્ટ સમાનતા જોવા મળી છે. દરેક હાડપિંજરમાં માથું ઉત્તર દિશા તરફ, પગ દક્ષિણ દિશા તરફ અને મોં પશ્ચિમ દિશા તરફ રાખવામાં આવ્યું છે. દફનવિધિમાં જોવા મળેલી આ એકસમાનતા કોઈ ચોક્કસ ધાર્મિક માન્યતા અથવા તો તે સમયે ઘટેલી કોઈ મોટી હોનારત તરફ ઈશારો કરે છે.

પુરાતત્વવિદોના અનુમાન મુજબ, આજે જ્યાં આકરો તાપ અને રણ પ્રદેશ છે, ત્યાં વર્ષો પહેલાં મીઠા પાણીના વહેણ અને ફળદ્રુપ જમીન હતી. આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં ધોળાવીરા ખાતે વસેલી સભ્યતા સમય જતાં પશ્ચિમ તરફ શિફ્ટ થઈ હતી. સિંધુ નદીના પ્રવાહ બદલાવાને કારણે લોકો નદીકાંઠાના આ ફળદ્રુપ રેતાળ પ્રદેશોમાં આવીને વસ્યા હોવાની શક્યતા છે. પ્રાથમિક સંશોધનમાં આ સાઇટનો સંબંધ પ્રાચીન સુમરા ડાયનેસ્ટી (રાજવંશ) સાથે પણ હોવાનું જાણવા મળ્યું છે. અહીં તે સમયે નાની ઊંચાઈવાળા વિસ્તારોમાં લોકો વસવાટ કરતા અને ઉત્તમ ખેતી કરતા હતા.

સંશોધકોનું માનવું છે કે વર્ષ ૧૮૧૯માં  કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ અને તેના કારણે નદીઓના પ્રવાહમાં થયેલા ભૂગર્ભીય ફેરફારોને લીધે જમીનમાં દટાયેલા આ પ્રાચીન અવશેષો ધીમે-ધીમે જમીનની સપાટી પર આવ્યા હોઈ શકે છે.

હવે આ માનવ અવશેષો અને પુરાતત્વીય સામગ્રીનું ચોક્કસ સમયગાળો જાણવા માટે કાર્બન ડેટિંગ અને ડીએનએ વિશ્લેષણ જેવા આધુનિક વૈજ્ઞાનિક પરીક્ષણો હાથ ધરવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની અંતિમ મંજૂરી મળ્યા બાદ અહીં વધુ વિસ્તૃત ઉત્ખનન શરૂ કરાશે, જેનાથી કચ્છના પ્રાચીન સામાજિક અને સંસ્કૃતિક ઇતિહાસના અનેક વણઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઊંચકાશે.

ઉત્સવ વૈદ્ય