Tue Aug 18 2026

Logo

ગાંધીધામમાં ગૃહકલેશથી કંટાળી યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો, ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

2026-08-01 14:19:00
Author: Vimal Prajapati
Article Image

પ્રતીકાત્મક તસવીર


ભુજઃ શહેરના ટાગોર રોડ પર આવેલી લીલા હોસ્પિટલ સામે સપનાનગર તરફ જવાના માર્ગ પર એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવર પર નશાની હાલતમાં એક યુવક ચડી જતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગૃહકલેશથી કંટાળીને શાંતિથી ઊંઘવાના ઈરાદે યુવક ટાવરની છેક ટોચ પર જઈને સુઈ જતાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

યુવક અચાનક મોબાઈલ ટાવર પર ચઢી ગયો

મળતી માહિતી મુજબ, કૌટુંબિક ઝઘડાથી કંટાળેલો આ યુવક અચાનક મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો અને ત્યાં જઈને આરામથી સુઈ ગયો હતો. ટાવરની ટોચ પર યુવકને સુતેલો જોઈને નીચે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. આ દરમિયાન એક સ્થાનિક યુવકે હિંમત દાખવી તેને બચાવવાના આશયથી ટાવર પર ચડી તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા શખ્સે તેને લાફો મારી દીધો હતો.

ગૃહકલેશથી પરેશાન હોવાથી ટાવર પર ચડ્યો

આખરે સમજાવટ બાદ આ શખ્સને સલામત રીતે ટાવર પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવક હેમખેમ નીચે આવતાં ઘટનાસ્થળે હાજર લોકો તેમજ પોલીસે હાશકારો અનુભવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઘરના કંટાળા અને ગૃહકલેશથી પરેશાન થઈને તે શાંતિથી ઊંઘવા માટે ટાવર પર ચડી ગયો હોવાનું સામે આવ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)