Tue Sep 01 2026

Logo

યશસ્વીને શું કામ હળવી સજા કરીને છોડી દીધો?...દિગ્ગજ ભારતીય ખેલાડીએ બીસીસીઆઈને સૂચન કર્યું કે...

2026-08-26 13:04:27
Author: Ajay Motiwala
યશસ્વીને શું કામ હળવી સજા કરીને છોડી દીધો?...દિગ્ગજ ભારતીય ખેલાડીએ બીસીસીઆઈને સૂચન કર્યું કે...

નવી દિલ્હી: શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોએ બે દિવસ પહેલાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને આઉટ કર્યા બાદ એવું તે શું કહીને ઉશ્કેર્યો કે મામલો ગંભીર થઈ ગયો એ તો ખુદ યશસ્વી જ જાણે, પરંતુ થોડા વર્ષોથી આઈપીએલના કરોડો રૂપિયાની થતી ધીકતી કમાણીની યશસ્વી પર અસર છે કે શું એ પણ ચર્ચાનો વિષય છે. કારણ એ છે કે ફર્નાન્ડોએ તેને આઉટ કર્યો ત્યાર પછી તેની કમેન્ટને પગલે યશસ્વી ક્રોધમાં તેની પાસે દોડીને મારામારી સુધી પહોંચી ગયો હતો.

યશસ્વી (Yashasvi)ના ‘ગલી ક્રિકેટ જેવા' વર્તન બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર (Manjrekar) ખૂબ ગુસ્સામાં છે અને તેમણે આઈસીસી તેમ જ બીસીસીઆઈને એક સૂચન કર્યું છે.

આઇસીસીના મૅચ રેફરી ઍન્ડી પાયક્રોફટે યશસ્વી તેમ જ ફર્નાન્ડોને 25-25 ટકા મૅચ ફીનો દંડ કરીને તેમ જ ઠપકો આપીને છોડી દીધા છે. એ ઉપરાંત બંને ખેલાડીના નામે પેનલ્ટી તરીકે એક-એક ડીમેરિટ પોઇન્ટ પણ લખવામાં આવ્યો છે.

માંજરેકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આઇસીસી અને બીસીસીઆઈનું નામ લઈને કહ્યું છે કે ‘યશસ્વીને શા માટે આટલી હળવી સજા કરીને છોડી દેવામાં આવ્યો?'

માંજરેકરનું એવું કહેવું છે કે ‘યશસ્વીએ મેદાન પર ગંભીર ગુનો કર્યો હોવા છતાં આઈસીસીના મૅચ રેફરીએ તેને જાણે માત્ર એક ટપલી મારીને છોડી દીધો!'

થોડા અઠવાડિયા પહેલા ટીનેજ સ્ટાર વૈભવ સૂર્યવંશી પણ ઇન્ડિયા-એની એક મૅચ દરમ્યાન શ્રીલંકાના ખેલાડીઓ પર ગુસ્સે થઈ ગયો હતો.

માંજરેકરે ‘એક્સ' પર લખ્યું છે કે ‘ડિયર આઇસીસી અને બીસીસીઆઈ, થોડા દિવસ પહેલાં ઇન્ડિયા એ વતી રમતી વખતે વૈભવે ગેરવર્તન કર્યું અને હવે યશસ્વીએ કર્યું. આવા ગેરવર્તન બદલ તમે ખેલાડીઓને હળવી સજા કરીને છોડી દેશો તો તેઓ ફરી આવું વર્તન કરતા અચકાશે નહીં. ક્રિકેટની રમત માટે તેમ જ ખેલાડીઓની કારકિર્દી માટે આ સારું ન કહેવાય.'

મંગળવારે કૉમેન્ટટર હર્ષા ભોગલેએ યશસ્વીની ટીકા કરી ત્યારે યશસ્વીએ સોશિયલ મીડિયામાં તરત જ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે ‘ફર્નાન્ડો મને આઉટ કર્યા પછી શું બોલ્યો એ ખબર ન હોય તો તમારે કોઈ પ્રકારના નિષ્કર્ષ પર આવવું ન જોઈએ.'