Sat Jun 20 2026

Logo

યશસ્વી ભારતનો ફાસ્ટેસ્ટઃ જાણો, કેવી રીતે અને શિખર ધવનનો કયો વિક્રમ તોડ્યો

2026-06-20 21:36:51
Author: Ajay Motiwala
Article Image

PTI


ચેન્નઈઃ ભારતે 56 વર્ષ જૂની વન-ડે ક્રિકેટને એક-એકથી ચડિયાતા દિગ્ગજો આપ્યા છે, પરંતુ એક વિક્રમ એવો છે જે આ સાડાપાંચ દાયકામાં નથી તૂટી શક્યો એ યશસ્વી જયસ્વાલે શનિવારે અહીં અફઘાનિસ્તાન સામે સિરીઝની છેલ્લી વન-ડેમાં તોડ્યો હતો. ભારતે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી.

કપિલ દેવ, સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દર સેહવાગ, રાહુલ દ્રવિડ, યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, રોહિત શર્મા, એમએસ ધોની, વિનોદ કાંબળી, અઝહરુદ્દીન, સુરેશ રૈના, અજય જાડેજા વગેરે દમદાર ભારતીય બૅટ્સમેનો ન કરી શક્યા એ કામ 24 વર્ષના યશસ્વી (Yashasvi)એ કરી દેખાડ્યું છે.

કરીઅરની પહેલી છ વન-ડેમાં બે સેન્ચુરી (two centuries) શનિવાર પહેલાં એક પણ ભારતીય ખેલાડી નહોતો ફટકારી શક્યો. આ રેકૉર્ડ-બુકમાં શિખર ધવનનું નામ મોખરે હતું, કારણકે તેણે કારકિર્દીની પહેલી સાત વન-ડેમાં છ સેન્ચુરી ફટકારી હતી. જોકે યશસ્વી શનિવારે છઠ્ઠી વન-ડે રમ્યો હતો જેમાં તેણે બીજી સદી ફટકારીને `બે વન-ડે ફટકારવામાં ફાસ્ટેસ્ટ ભારતીય' તરીકે પોતાનું નામ રેકૉર્ડ-બુકમાં લખાવી દીધું હતું.

યશસ્વીની વન-ડે કારકિર્દી ફેબ્રુઆરી 2025માં શરૂ થઈ હતી. નવાઈની વાત એ છે કે છ મૅચમાં તેની એક પણ હાફ સેન્ચુરી નથી, પણ બે સેન્ચુરી છે. પહેલી સેન્ચુરી તેણે ડિસેમ્બર, 2025માં વિશાખાપટનમમાં સાઉથ આફ્રિકા સામેની મૅચમાં ફટકારી હતી. ત્યારે તેણે 169 બૉલમાં અણનમ 116 રન બનાવ્યા હતા અને શનિવારે ચેન્નઈમાં 127 બૉલમાં 110 રન બનાવ્યા અને આઉટ ન થયો.