Sat Jun 20 2026

Logo

પહેલો બૉલ ફેંકાયો એ પહેલાં કેમ ભારતના ખાતામાં પાંચ રન આવી ગયા હતા?

2026-06-20 19:56:40
Author: Ajay Motiwala
Article Image

ચેન્નઈઃ ભારતીય ટીમે અહીં અફઘાનિસ્તાનને આખરી વન-ડેમાં 218 રનમાં ઑલઆઉટ કરી દીધું ત્યાર પછી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ હજી ક્રીઝમાં પણ નહોતા આવ્યા એ પહેલાં જ ભારતના ખાતે પાંચ રન લખાઈ ગયા હતા. આવું કેમ બન્યું એની ચર્ચા થઈ રહી છે.

વાત એવી છે કે અફઘાનિસ્તાન (Afghanistan)ની ઇનિંગ્સ પૂરી થઈ અને ભારતનો દાવ શરૂ થયો એ પહેલાં જ ભારતને પેનલ્ટીના પાંચ રન આપી દેવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના સેન્ચુરિયન કૅપ્ટન હશમતુલ્લા શાહિદી (Shahidi)ની એક ભૂલને કારણે આવું બન્યું હતું. જોકે તેણે ચેન્નઈની અસહ્ય ગરમીનો પણ સામનો કરવો પડ્યો હતો. તેના શરીરના સ્નાયુ ખેંચાઈ ગયા હતા અને સદી પૂરી કર્યા પછી નીચે બેસી પડ્યો હતો.

ભારત સામે 131 બૉલમાં 102 રન બનાવનાર અને વન-ડે કારકિર્દીની છેક 96મી મિનિટમાં પ્રથમ સેન્ચુરી ફટકારનાર શાહિદીને પિચ પરના પ્રતિબંધિત એરિયામાં દોડવાની અમ્પાયરે એક વખત મનાઈ કરી હતી. આ ચેતવણી છતાં શાહિદી બીજી વખત એ એરિયામાં દોડ્યો એટલે બન્ને અમ્પાયર ક્રિસ ગેફની અને રોહન પંડિતે ગંભીર રીતે નોંધ લીધી હતી અને શાહિદીએ એ તબક્કે દોડીને જે એક રન લીધો હતો અમ્પાયરોએ રદ કરી નાખ્યો હતો અને ભારતના ખાતામાં પાંચ રન ઉમેરી દીધા હતા.

આઇસીસી ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના કાયદાને અનુસરે છે. એમસીસીના 41.14 નંબરના નિયમ મુજબ જો બૅટ્સમૅન પિચની મધ્યમાં પાંચ ફૂટ બાય બે ફૂટના એરિયામાં દોડે તો અમ્પાયર તેને સત્તાવાર રીતે ચેતવણી આપે છે. જો એ ખેલાડી બીજી વખત આ એરિયામાં દોડે તો તેને દંડ કરવામાં આવે છે. બીજી રીતે કહીએ તો હરીફ ટીમના ખાતામાં પાંચ રન ઉમેરી દેવાય છે તેમ જ એ બૉલમાં જે રન બનાવ્યા હોય એ રદ પણ કરી નાખવામાં આવે છે.