મુંબઈઃ મહિલાઓની આઇપીએલ તરીકે જાણીતી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 2027ની સીઝન (પાંચમી સીઝન) 14મી જાન્યુઆરીથી સાતમી ફેબ્રુઆરી સુધી રમાશે અને એ પહેલાં એના માટે જે પ્લેયર્સ ઑકશન થશે એની પણ તારીખ જાહેર કરી દેવાઈ છે.
ખેલાડીઓનું ઑક્શન (AUCTION) આવતા મહિને (28મી ઑક્ટોબરે) કોચીમાં યોજાશે, એવું બીસીસીઆઇએ જણાવ્યું હતું. જોકે 2027ની ડબ્લ્યૂપીએલની મૅચો કયા શહેરોમાં રમાશે એની જાહેરાત નહોતી કરવામાં આવી.
પાંચેય ફ્રૅન્ચાઇઝીએ 28મી સપ્ટેમ્બર સુધીમાં પોતે કયા ખેલાડીઓને જાળવી રાખ્યા એની જાહેરાત કરી દેવી પડશે. દેશ-વિદેશની નવી ખેલાડીઓ મેળવવાની તેમ જ વર્તમાન ટૅલન્ટેડ ખેલાડીઓને નવા ઊંચા સ્તર સુધી લઈ જવા માટેની તકો પૂરી પાડવાનો આ ફ્રૅન્ચાઇઝીઓને મોકો મળશે.
હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) બે વખત અને સ્મૃતિ મંધાનાના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) બે વખત ટાઇટલ જીત્યું છે. ફેબ્રુઆરી, 2026માં આરસીબીની ટીમ બીજી વખત ચેમ્પિયન બની હતી.