Tue Aug 18 2026

Logo

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં વિલંબ કેમ થયો? સરકારે આપ્યો આખરે જવાબ!

2026-07-30 15:34:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ/નવી દિલ્હી: સંસદમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેની વર્તમાન સ્થિતિ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ અંગેની મહત્વની વિગતો રજૂ કરી હતી. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના શરૂઆતના ઘણા તબક્કાઓ એટલે કે પેકેજ એકથી સાતનું કામકાજ 100 ટકા અથવા તેની આસપાસ પૂર્ણ થઈ ગયું છે અને તેને વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે. 

પૂર્ણ થયેલા પ્રસ્તાવિત પેકેજમાં વડોદરાથી પાદરા, પાદરાથી સાનપા, સાનપાથી મનુબર, અને મનુબરથી અંકલેશ્વર વગેરે જેવા વિભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પેકેજ અગિયારનું કામકાજ પણ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે અને તેને જાન્યુઆરી 2026માં પ્રમાણપત્ર આપી દેવાયું છે.

જોકે, પ્રોજેક્ટના કેટલાક ભાગોમાં જમીન સંપાદન, પર્યાવરણીય મંજૂરી અને યુટિલિટી શિફ્ટિંગ જેવા કારણોસર વિલંબ થયો હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. દાખલા તરીકે, પેકેજ-15 અને 16માં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ દ્વારા લાઇન શિફ્ટિંગ અને શટડાઉન આપવામાં થયેલા વિલંબના કારણે કામમાં મોડું થયું છે. 
આ ઉપરાંત, કલ્યાણના બલ્યાની ગામમાં અને મોરબે ખાતે ઇન્ટરચેન્જ બનાવવા માટે જમીન સંપાદનના પ્રશ્નો પણ પ્રોજેક્ટમાં અડચણરૂપ બન્યા હોવાનું સરકારે સ્વીકાર્યું હતું.   

આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા કડક પગલાં પણ લેવાયા હોવાની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત પેકેજ 8 અને 9માં નબળી કામગીરી બદલ કોન્ટ્રાક્ટરના કરાર રદ કરવામાં આવ્યા હતા અને બાકીનું કામ પૂરું કરવા માટે નવી બોલીઓ મંગાવવામાં આવી છે. 

આ રદ કરાયેલા અને વિલંબિત વિભાગોનું કામ હવે 30 જૂન 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના સરકારે વ્યક્ત કરી હતી. બીજી તરફ, પેકેજ 12થી 18 જેવા અન્ય વિભાગોનું કામ 90 ટકાથી વધુ પૂર્ણ થઈ ગયું છે અને તે વિભાગો વર્ષ 2026ના વિવિધ મહિનાઓમાં પૂરા થવાનો અંદાજ સરકારે આપ્યો છે.