- પ્રફુલ શાહ
શું અમેરિકા લાચાર છે? શું અમેરિકમાં સહનશીલતા છે? શું ઉદારતા છે? રમૂજવૃત્તિ છે? ભાઈચારો, અનુકંપા, સહ-અસ્તિત્વ કે વસુધૈવ કુટુંબકમ (આખું વિશ્વ એક પરિવાર છે)ની ભાવના છે? ના, ના, ના... તો પછી આ મહાસત્તા ટચુકડા `દેશ' મોલોસિયાના અસ્તિત્વને સહન શા માટે કરે છે? આના જવાબ મેળવવા અગાઉ મોલોસિયા વિશે વધુ થોડું જાણીએ 2000માં મોલોસિયાએ પોતાની ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કર્યું હતું .2001માં તેણે ઇન્ટરનૅશનલ વર્લ્ડ એક્સપોઝિશનનું આયોજન કર્યું હતું, જેમાં અન્ય માઇક્રોનેશન્સને સામેલ કરવામાં આવ્યા હતા. આ રીતે નાનકડું હોવા છતાં મોલોસિયા `દેશ'ની લગભગ દરેક વસ્તુ ધરાવવાનો દાવો કરે છે.
અરે, 2010માં તો `યુદ્ધ' પણ થયું હો. આ મોલોસિયાના ઇતિહાસનું અત્યંત રસપ્રદ મજેદાર છે. કિકઆસિયા (Kickassia)ના આક્રમણ કે સરકાર પલટા તરીકે મોલોસિયાના સત્તાવાર ઇતિહાસમાં આ ઘટનાનું વર્ણન કરાયું છે. કિકએસિયા વળી શું છે?
કિકએસિયા વર્ષ 2010માં રિલીઝ થયેલી અમેરિકન ઍક્શન-કૉમેડી ફિલ્મ છે! આ ફિલ્મ `નોસ્ટાલ્જિયા ક્રિટિક' તરીકે વધુ જાણીતા ઇન્ટરનેટ સમીક્ષક ડગ વૉકરે બનાવી હતી. આ ફિલ્મ તેમની `ચૅનલ ઓસમ'નાં બે વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મની ખૂબ જ રમૂજી વાર્તામાં ક્રિટિક ડગ વૉકર અમેરિકાના નેવાડા રણમાં આવેલા `મોલોસિયા'નામના એક નાનકડા માઇક્રોનેશન પર કબજો કરવાનું વિચારે છે. તે સાથી ઇન્ટરનેટ વિવેચકો અને યુટ્યૂબર્સની એક સેના બનાવે છે અને મોલોસિયા પર હુમલો કરે છે. મોલોસિયાના રાષ્ટ્રપતિને હરાવીને તે તે દેશનું નામ બદલીને કિકએસિયા રાખે છે અને પોતાને ત્યાંનો સરમુખત્યાર જાહેર કરે છે. જોકે સત્તા મેળવ્યા પછી તેનામાં ઘમંડ આવી જાય છે. યછી સાથીદારો તેની સામે બળવો કરે છે અને તેને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં 2010ની પ્રખ્યાત ઇન્ટરનેટ પર્સનાલિટીઝ જોવા મળી હતી. સમ ખાવા પૂરતુંય બજેટ ન ધરાવતી આ પેરોડી ફિલ્મ શરૂઆતમાં છ ભાગની સિરીઝ તરીકે ઑનલાઇન રિલીઝ થઈ હતી અને બાદમાં આખી ફિલ્મ રૂપે આવી હતી, પરંતુ એમ કઈ પ્રમુખ કેવિન બો ગાજ્યા જાય ખરા? તેમણે બેરોન ફ્રિટ્ઝ નામનો ઓલ્ટર ઈગો કરીને દેશ પાછો જીતી લીધો હતો!
26 મે 1977થી ગણીએ તો આજે 2026માં 49 વર્ષના થયેલા `રાષ્ટ્ર' મોલોસિયાની વધુ થોડી યુદ્ધલક્ષી મજેદાર વાતો છે.
મોલોસિયાના ઇતિહાસમાં મુસ્તાચિસ્તાન સામેનું અ યુદ્ધની નોંધ છે. મુસ્તાચિસ્તાને મેરિકાના નેવાડા રાજ્યના એક મોટા હિસ્સા પર પોતાનો દાવો કર્યો હતો. તેની સ્થાપના સુલતાન અલી-અલી અચ્સેનફ્રીએ કરી હતી, જે મોલોસિયા રાષ્ટ્રપતિ કેવિન બોના મિત્ર હતા. 2206ના મુસ્તાચિસ્તાન સામેના આ યુદ્ધમાં મોલોસિયાએ પોતાની જીત થયાનો દાવો કર્યો હતો.
અને ઈસ્ટ જર્મની સામે ઉપરાંત 1983માં જાહેર થયેલું મોલોસિયાનું યુદ્ધ આજે પણ સૈદ્ધાંતિક રૂપે પૂરું થયું નથી, કારણ કે ઈસ્ટ જર્મનીનું તો અસ્તિત્વ જ ખતમ થઈ ગયું!
સૌથી મહત્ત્વનો વ્યવહારુ સવાલ એ છે કે શું ખરેખર મોલોસિયા ખરેખર સ્વતંત્ર દેશ છે?
આંતરરાષ્ટ્રીય કાયદાની દૃષ્ટિએ નહીં જ.
મોલોસિયાને સંયુક્ત રાષ્ટ્રસંઘના કોઈ સભ્ય દેશે તેને સાર્વભૌમ દેશ તરીકે માન્યતા આપી નથી. તે નેવાડાની જમીન પર આવેલું માઇક્રોનેશન છે અને અમેરિકાની સત્તા હેઠળ જ આવે છે. આથી તેને નકશા પર અલગ દેશ તરીકે શોધશો તો મુશ્કેલી પડશે, કારણ કે ભૌગોલિક રીતે તે અમેરિકાની જમીનની અંદર આવેલું છે, અમેરિકાનો જ ભાગ છે.
ભલે મોલોસિયા પોતાને સાર્વભૌમ દેશ કહે, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા અને વ્યવહારમાં તે માન્ય દેશ નથી. હકીકતમાં સરળ ભાષામાં મોલોસિયા પરંપરાગત વ્યાખ્યાના `દેશ' કરતાં વધુ એક માઇક્રોનેશન છે: એક વ્યક્તિના કલ્પનાશીલ વિચારોમાંથી વિકસેલું વાસ્તવિક જમીન ધરાવતું નાનું રાષ્ટ્ર-સ્વરૂપ. ખરુંં કહીએ તો મોલોસિયા ટકી રહ્યું છે તેનું કારણ એ નથી કે અમેરિકા તેને સ્વીકારે છે.
મોલોસિયાની જમીન મૂળ ખાનગી માલિકીની મિલકત છે. તેના સ્થાપક કેવિન બોએ 1977થી તે જમીનના ટુકડાને પોતાનું `રાષ્ટ્ર' જાહેર કર્યું. અમેરિકાને મોલોસિયાથી કોઈ ગંભીર સુરક્ષા કે રાજકીય જોખમ પણ નથી. મોલોસિયાના વાસ્તવિક રાજદ્વારી સંબંધો કે સ્વતંત્ર રાજ્ય તરીકેની કાનૂની સ્થિતિ નથી.
નોંધપાત્ર હકીકત એ છે કે મોલોસિયાની પ્રવૃત્તિઓ મોટાભાગે પ્રતીકાત્મક અને મનોરંજનાત્મક છે. મોલોસિયાના ચલણ વાલોરા વાસ્તવિક આંતરરાષ્ટ્રીય ચલણ નથી અને સામાન્ય દુકાનોમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી. તે પાસપોર્ટ તથા અન્ય સરકારી દસ્તાવેજો બનાવે છે, પરંતુ તે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે માન્ય નથી. મોલોસિયાની `મિલિટરી' વાસ્તવિક લશ્કરી શક્તિ નથી. તેમાં થોડા પ્રતીકાત્મક હોદ્દા અને વિધિઓનો સમાવેશ થાય છે. ભલે મોલોસિયા પોતાના બંધારણ અને કાયદાઓ હોવાનો દાવો કરે, પરંતુ અમેરિકાના કાયદા ઉપર મોલોસિયાના કાયદાની કોઈ કાનૂની સત્તા નથી. ત્યાં પ્રવેશતા મુલાકાતીઓને ઇમિગ્રેશન જેવી પ્રક્રિયાનો અનુભવ કરાવવામાં આવે છે. પરંતુ અમેરિકાની વાસ્તવિક આંતરરાષ્ટ્રીય સરહદ જેવી કાનૂની વ્યવસ્થા નથી.
તો પછી અમેરિકાએ તેને બંધ કેમ નથી કર્યું?
કારણ કે મોલોસિયા અમેરિકા માટે કોઈ વાસ્તવિક પડકાર નથી. તે ન તો અમેરિકાની જમીન પર સત્તા જમાવવાનો પ્રયાસ કરે છે, ન અમેરિકાના કાયદાને પડકારે છે, ન સૈન્ય જોખમ ઊભું કરે છે. અમેરિકા તેને એક નિર્દોષ ખાનગી પ્લસ વિચિત્ર માઇક્રોનેશન તરીકે સહન કરે છે.
જો મોલોસિયા ખરેખર અમેરિકાથી અલગ થવા, ટૅક્સ ન ભરવા, પોતાની સૈન્ય વ્યવસ્થા ઊભી કરવા કે અમેરિકાના કાયદાનો અમલ રોકવા લાગે તો પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ બની જાય.
મોલોસિયા ખરેખર એક એવો અદ્ભુત `દેશ' છે કે જેના મોટાભાગનાં રાષ્ટ્રીય પ્રતીકો મજાકિયા અને પ્રતીકાત્મક છે. અને હા, આમ કરનારું મોલોસિયા સાવ એકલું નથી. આ તો `જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની મા' જેવો આ ઘાટ છે.