Tue Jul 28 2026

Logo

રોકાણનો સાચો હેતુ: બજાર નહીં... તમારું જીવન છે

2026-07-28 08:19:00
Author: Amit Trivedi
Article Image

અમિત ત્રિવેદી

મોટાભાગના લોકો માટે રોકાણ કરવું એ ખૂબ જ તણાવભરી પ્રવૃત્તિ છે. વિરોધાભાસ તો જુઓ, જે રોકાણનો અસલી હેતુ જીવનને તણાવમુક્ત બનાવવાનો છે, એ જ રોકાણ આજે લોકો માટે સૌથી મોટાં ટેન્શનનું કારણ બની ગયું છે. ઘણા રોકાણકારો પાસે રોકાણના ખરાબ અનુભવોની લાંબી યાદી હોય છે. અહીં સવાલ એ થાય કે જ્યારે રોકાણનાં વિવિધ માધ્યમો સારું વળતર આપી રહ્યા હોય, ત્યારે પણ લોકોના અનુભવો આટલા ખરાબ કેમ હોય છે?

‘ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ’ના પ્રખ્યાત ‘મેગેલન ફંડ’ના મેનેજર પીટર લિંચનો ટ્રેક રેકોર્ડ અદ્ભુત હતો. તેમ છતાં, તેમણે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે તેમની સ્કીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું હોવા છતાં, તેમાં રોકાણ કરનારા મોટાભાગના લોકોએ પૈસા ગુમાવ્યા હતા! આ વાત સાંભળવામાં ભલે પરસ્પર વિરોધાભાસી લાગે, પરંતુ આ એક વિશ્વવિખ્યાત ફંડ મેનેજરનો જાતઅનુભવ છે.

આ તબક્કે, લિંચના ટ્રેક રેકોર્ડને સમજવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે પીટર લિંચે ફિડેલિટીના ‘મેગેલન ફંડ’નું સંચાલન કર્યું (મે 1977થી મે 1990 સુધીના 13 વર્ષના ગાળા દરમિયાન), ત્યારે આ ફંડે વાર્ષિક સરેરાશ 29.2 ટકા જેટલું વળતર મેળવ્યું હતું. એ જ  દરમિયાન, એસ એન્ડ પી 500 (S&P 500) એ વાર્ષિક 15.8 ટકા વળતર આપ્યું હતું. જો કોઈ રોકાણકારે લિંચે કાર્યભાર સંભાળ્યો તે જ દિવસે આ ફંડમાં 10,000 ડૉલર મૂક્યા હોત અને તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી તેને પકડી રાખ્યા હોત તો તે રકમ વધીને અંદાજે 2,80,000 ડૉલર થઈ ગઈ હોત...!  ફંડે આટલી જોરદાર કમાણી કરાવી આપી હોવા છતાં, રોકાણકારો બજારની તેજી જોઈને મોડા પ્રવેશતા અને મંદી આવતા જ ગભરાઈને બહાર નીકળી જતા. પરિણામે, આ ફંડના સરેરાશ રોકાણકારે અંતે તો પોતાના પૈસા ગુમાવ્યા!.


વર્ષોથી અસંખ્ય રોકાણકારો સાથેની વાતચીત અને દુનિયાભરના નાણાકીય સાહિત્યના અભ્યાસ પરથી આ વિરોધાભાસ પાછળનું કારણ સમજી શકાય છે. તો અસલમાં શું થઈ રહ્યું છે? લોકો તે સ્કીમમાં લાંબો સમય ટકી રહેવાને બદલે, અલગ-અલગ પરિબળોને આધારે વારંવાર સ્કીમમાં પ્રવેશતા અને બહાર નીકળતા રહ્યા. આ પૈકીનું એક મુખ્ય પરિબળ હતું તે સ્કીમનું તાજેતરનું ભૂતકાળનું પ્રદર્શન. 

સમસ્યાની ખોટી વ્યાખ્યા

આવું કેમ થાય છે? તે સમજવા માટે આપણે મેનેજમેન્ટ શાળાઓમાં શીખવવામાં આવતો એક મહત્ત્વનો પાઠ યાદ કરવો પડશે: ‘જો તમારે સાચો ઉકેલ જોઈતો હોય તો પહેલાં સમસ્યાની વ્યાખ્યા સાચી રીતે નક્કી કરવી પડે.’ 

કોઈ પણ વ્યક્તિ માટે અસલી સમસ્યા એ છે કે  જ્યારે પણ ભવિષ્યમાં તમારા વિવિધ ખર્ચાઓ અને લક્ષ્યો સામે આવે  ત્યારે તેને પૂરા કરવા માટે તમારી પાસે પૂરતા પૈસા હોવા જોઈએ, પરંતુ લોકો તેની સામે એવો ઉકેલ શોધે છે કે ‘મને કેટલું વળતર મળશે?’ અથવા ‘અત્યારે શેરબજાર સારું છે કે ખરાબ?’ 

સમસ્યા વ્યક્તિની પોતાની આંતરિક સ્થિતિ અને જરૂરિયાત સાથે જોડાયેલી છે, જ્યારે તે તેનો ઉકેલ બહાર (બજારના ઉતાર-ચઢાવમાં) શોધી રહ્યો છે.

પૈસા નહીં, જીવન મહત્ત્વનું છે

તમારા નાણાંનો ઉપયોગ ક્યાં થવાનો છે  તેના આધારે સમસ્યાને વ્યાખ્યાયિત કરવી ખૂબ જરૂરી છે. તમારી વ્યક્તિગત નાણાકીય સ્થિતિના સંચાલનમાં અસલી પડકાર પૈસાનો નથી, તમારા જીવનનો છે. તેથી, સમસ્યાને સાચી રીતે સમજો. તમારી નાણાકીય જરૂરિયાતો, ભવિષ્યનાં લક્ષ્યો અને સપનાંઓને ઓળખો અને તેનું ચોક્કસ મૂલ્યાંકન કરો. ત્યાર બાદ જ તેને પ્રાપ્ત કરવા માટેનું આયોજન શરૂ કરો. બહારનું વાતાવરણ કે બજાર ક્યારેય તમારા નિયંત્રણમાં હોતું નથી. તમે માત્ર તમારી પરિસ્થિતિ અને તમારાં લક્ષ્યો પર જ નિયંત્રણ રાખી શકો છો. જો આ અભિગમ અપનાવવામાં આવે તો રોકાણ તણાવમુક્ત અને ફાયદાકારક બની શકે છે.