Thu Jul 23 2026

Logo

ગુજરાત સરકારના ક્યા 81 ક્લાસ-2 અધિકારીને અપાયું પ્રમોશન ? ક્યા 36 અધિકારીની ક્યાં થઈ ટ્રાન્સફર ?

2026-05-28 10:38:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સચિવાલયના વહીવટી કામકાજને વધુ વેગવંતું અને સુદ્રઢ બનાવવા માટે ગઈકાલે મોડી રાત્રે ક્લાસ-2 અધિકારીઓની બદલી-બઢતીનો ઘાણવો નીકળ્યો હતો. જે અંતર્ગત 36 સેક્શન અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જ્યારે 81 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી.

સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા લેવાયેલા આ મોટા નિર્ણયથી સચિવાલયના વિવિધ વિભાગોમાં મોટા ફેરફારો જોવા મળશે. બદલી કરાયેલા 36 સેક્શન અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની નવી નિયુક્તિવાળી જગ્યાઓ પર હાજર થવા સૂચના આપી દેવામાં આવી છે.

બીજી તરફ, જે 81 નાયબ સેક્શન અધિકારીઓને પ્રમોશન મળ્યું છે, તેમના કારણે સચિવાલયના મહત્વના વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જેથી સરકારી કામકાજની ગતિમાં વધારો થશે. આ જથ્થાબંધ બદલી અને બઢતીના પગલે ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓમાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે.

 

કેમ લેવામાં આવ્યો નિર્ણય

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉચ્ચ સ્તરેથી લેવાયેલા આ નિર્ણય પાછળ સરકારના સરકારી વહીવટ અને વિકાસકાર્યોમાં વધુ ગતિ લાવવા તેમજ વિભાગીય કાર્યક્ષમતામાં વધારો કરવાનો મુખ્ય હેતુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બઢતી મેળવનારા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા વિભાગોમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.