Thu Oct 08 2026

Logo

વેસ્ટ ઇન્ડિઝ સામેની ટીમમાં હાર્દિક, પંત નથી!: બે નવોદિત સામેલ

2026-09-16 21:20:00
Author: Ajay Motiwala
વેસ્ટ ઇન્ડિઝ સામેની ટીમમાં હાર્દિક, પંત નથી!: બે નવોદિત સામેલ

અફઘાનિસ્તાન સામેના મૅચ-વિનર નીતીશ રેડ્ડી વિશે મોટો નિર્ણય

મુંબઈઃ એક તરફ જાપાનમાં ભારત (India)ના ટી-20 ક્રિકેટરો એશિયન ગેમ્સની ટૂર્નામેન્ટમાં રમતા હશે ત્યારે બીજી તરફ ઘરઆંગણે વન-ડે ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામેની સિરીઝમાં ઝંપલાવશે અને એ સિરીઝ માટે બુધવારે ટીમ (Team) જાહેર કરવામાં આવી હતી. આ ટીમ સંબંધમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લેવામાં આવ્યા હતા. અનુભવી ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને કૅરિબિયનો સામેની વન-ડે સિરીઝ માટેની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા. પીઢ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના સમાવેશ આ વન-ડે ટીમમાં છે.

હાર્દિકે હજી ઇન્ડિયા-એ વતી રમીને ફિટનેસ પુરવાર કરવાની બાકી છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે શ્રેણી 27મી સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં શરૂ થશે જેમાં બીજી મૅચ 30મી સપ્ટેમ્બરે ગુવાહાટીમાં અને ત્રીજી મૅચ ત્રીજી ઑક્ટોબરે ન્યૂ ચંડીગઢમાં રમાશે. ત્રણેય મૅચ બપોરે 2.00 વાગ્યે શરૂ થશે.

સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને વન-ડે ટીમમાં કમબૅકનો મોકો મળ્યો છે, જ્યારે ઑલરાઉન્ડર નમન ધીર તેમ કાશ્મીરના પેસ બોલર આકિબ નબીને વન-ડેમાં ડેબ્યૂ કરવાની તક અપાઈ છે.

મંગળવારે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની બીજી ટી-20માં 24 રનમાં ત્રણ વિકેટ લેનાર પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીનું નામ જાપાનની એશિયન ગેમ્સ માટેની ટી-20 ટીમમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને તેનો સમાવેશ વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝની ટીમમાં કરાયો છે.

વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે શ્રેણી બાદ પાંચ મૅચની ટી-20 સિરીઝ પણ રમાશે જેનું નેતૃત્વ શ્રેયસ ઐયર સંભાળશે.

વેસ્ટ ઇન્ડિઝ સામેની બન્ને ટીમમાં કોણ?

વન-ડે ટીમઃ શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ (વાઇસ-કૅપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ધ્રુવ જુરેલ, નીતીશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી અને નમન ધીર.

ટી-20 ટીમઃ શ્રેયસ ઐયર(કૅપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને મયંક યાદવ.