Thu Jul 23 2026

Logo

વાપીમાં રૂ. 100 કરોડના તળાવ વિવાદમાં આર્બિટ્રેશન પ્રક્રિયા પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

2026-06-04 16:53:55
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
ગુજરાત હાઈકોર્ટે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટી રાહત આપતા, તળાવ વિકાસ લીઝ કરારથી ઉદ્ભવેલા વિવાદમાં ચાલી રહેલી આર્બિટ્રેશનની કાર્યવાહી પર વચગાળાની રોક લગાવી દીધી હતી. કોર્ટે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. આ વિવાદ લાખમદેવ, ડુંગરા અને ચલા તળાવોના લીઝ કરારો સાથે સંબંધિત છે, જેમાં આશરે રુ. 100 કરોડના દાવા સાથે આર્બિટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

કોર્ટમાં સુનાવણી દરમિયાન વાપી મનપા તરફથી દલીલ કરવામાં આવી હતી કે, સામીવાળી કંપની દ્વારા તેમની સંમતિ વિના એકપક્ષીય રીતે આર્બિટ્રેટરની નિમણૂક કરવામાં આવી હતી, જે કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી. વધુમાં, કોર્પોરેશને હાઈકોર્ટના અગાઉના એક ચુકાદાનો હવાલો આપીને જણાવ્યું હતું કે, જાહેર સંસ્થાઓને સાંકળતા આવા વિવાદોનો નિકાલ ખાનગી આર્બિટ્રેશનના બદલે પબ્લિક વર્ક્સ ટ્રિબ્યુનલ દ્વારા થવો જોઈએ. વાપી મનપાએ એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે જો આ કાર્યવાહી ચાલુ રહેશે તો કોર્ટમાં પેન્ડિંગ અન્ય કેસો વચ્ચે પરસ્પર વિરોધાભાસી પરિણામો આવી શકે છે.

બીજી તરફ, આર્બિટ્રેટરે 2 જૂનના રોજ સુનાવણી નક્કી કરી હતી અને ચેતવણી આપી હતી કે જો વાપી મનપા જવાબ દાખલ નહીં કરે, તો તેનો બચાવ કરવાનો અધિકાર બંધ થઈ શકે છે, જેનાથી એકપક્ષીય ચુકાદો આવવાનું જોખમ હતું. હાઈકોર્ટે આ તમામ દલીલોને ધ્યાને લઈને આર્બિટ્રેટરને આગામી સુનાવણી સુધી આ કેસમાં આગળ ન વધવા અને કોઈ આદેશ પસાર ન કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ મામલે સામીવાળી પાર્ટીને નોટિસ ફટકારીને ઉનાળુ વેકેશન બાદ આગામી સુનાવણી 18 જૂનના રોજ નિયત કરી છે.