Tue Sep 01 2026

Logo

પેસેન્જર બાદ હવે દોડશે 'વંદે ભારત માલગાડી'! 145 કિમીની સ્પીડે સફળ ટ્રાયલ, કલાકોમાં પહોંચશે સામાન

2026-08-21 20:15:31
Author: Darshana Visaria
પેસેન્જર બાદ હવે દોડશે 'વંદે ભારત માલગાડી'! 145 કિમીની સ્પીડે સફળ ટ્રાયલ, કલાકોમાં પહોંચશે સામાન

ભારતીય રેલવે દ્વારા સેમી-હાઈસ્પીડ પેસેન્જર ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ' અને 'વંદે ભારત સ્લીપર'ની જબરદસ્ત સફળતા બાદ હવે માલવાહક ક્ષેત્રે મોટો ક્રાંતિકારી બદલાવ લાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. રેલવે મંત્રાલય દ્વારા દેશમાં ઝડપી કાર્ગો અને ઈ-કોમર્સ પાર્સલ ડિલિવરી માટે ખાસ ડિઝાઈન કરાયેલી 'વંદે ભારત ફ્રેટ ટ્રેન'નું સફળતાપૂર્વક ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું છે. પશ્ચિમ મધ્ય રેલવે ઝોન હેઠળ હાથ ધરાયેલા સ્પીડ ટ્રાયલ દરમિયાન આ માલગાડીએ 145 કિમી પ્રતિ કલાકની રેકોર્ડ સ્પીડ હાંસલ કરી છે.

શું છે ‘વંદે ભારત ફ્રેટ ટ્રેન’ની ખાસિયતો?

અત્યાધુનિક સ્પીડ અને ક્ષમતા: સામાન્ય માલગાડીઓની સરેરાશ સ્પીડ 25થી 50 કિમી પ્રતિ કલાક હોય છે, જ્યારે વંદે ભારત ફ્રેટ ટ્રેન 130થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે. આ ટ્રેનમાં પેસેન્જર વંદે ભારતની જેમ જ એરોડાયનેમિક ડિઝાઈન, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા અને પેલેટ લોડિંગ-અનલોડિંગ સિસ્ટમ આપવામાં આવી છે. દૂધ, ફળ, શાકભાજી અને ફાર્માસ્યુટિકલ્સ જેવી ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓ માટે તેમાં રેફ્રિજરેટેડ (તાપમાન નિયંત્રિત) કન્ટેનરની સુવિધા ઉપલબ્ધ છે.

145 કિમી/કલાકની ઝડપે સફળ ટ્રાયલ:

પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા ઓસિલેશન અને ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમની ચકાસણી માટે કોટા સેક્શન પર લોડેડ અને અનલોડેડ બંને સ્થિતિમાં ટ્રાયલ લેવામાં આવ્યું હતું. 145 કિમીની ઝડપે પણ ટ્રેનનું સ્ટેબિલિટી લેવલ અને કાર્ગો સેફ્ટી ઉત્કૃષ્ટ હોવાનું નોંધાયું છે.

દેશના લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ સેક્ટરને શું ફાયદો થશે?

દિલ્હી-મુંબઈ, ચેન્નઈ-કોલકાતા જેવા વ્યસ્ત સુવર્ણ ચતુર્ભુજ (Golden Quadrilateral) કોરિડોર પર કલાકોમાં માલસામાન પહોંચાડી શકાશે. એમેઝોન, ફ્લિપકાર્ટ તેમજ દેશના નાના-મોટા વેપારીઓ માટે રોડ ટ્રાન્સપોર્ટ કરતાં સસ્તો અને વિમાન કરતાં વધુ કિફાયતી ફાસ્ટ ટ્રાન્સપોર્ટ વિકલ્પ મળશે. ભારતમાં લોજિસ્ટિક્સ કોસ્ટ જીડીપીના લગભગ 13થી 14 ટકા છે, જેને સિંગલ ડિજિટમાં લાવવાના સરકારના લક્ષ્યને આ સુપરફાસ્ટ માલગાડી મોટો ટેકો આપશે.