Thu May 28 2026

Logo

વૈભવ સૂર્યવંશી સામે બોલર્સ આવી ભૂલ કરે તો પસ્તાવું પડે...

2026-05-27 19:47:36
Author: Ajay Motiwala
Article Image

BCCI


ન્યૂ ચંડીગઢઃ 15 વર્ષના વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)એ આ વખતે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કૅગિસો રબાડા જેવા ખ્યાતનામ બોલર્સની ખબર લઈ નાખી છે અને 14 મૅચમાં રાજસ્થાન રૉયલ્સના આ બિહારી કિશોર સામે બોલર્સ કેટલીક ભૂલ કરી બેસતા હોય છે જેનો લાભ વૈભવે લીધો છે.

વૈભવની કઈ કઈ ખાસિયતો છે?

2025ની આઇપીએલમાં 35 બૉલમાં સેન્ચુરી ફટકારીને આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો યંગેસ્ટ સેન્ચુરિયન બન્યા પછી આ વખતે તેણે 14 મૅચમાં 232.27ના સ્ટ્રાઇક-રેટથી 583 રન બનાવીને ક્રિકેટ જગતમાં ધમાલ મચાવી દીધી છે. તે બોલરની પ્રતિભા પર ધ્યાન નથી આપતો, પણ તે કેવો બૉલ ફેંકે છે અને એ બૉલમાં કેવો ફટકો મારવો એના પર જ બધુ લક્ષ આપતો હોય છે. તે પળવારમાં ભલભલા બોલરની લાઇન ઍન્ડ લેન્ગ્થ બરાબર સમજી લે છે.

કેવા બૉલ વૈભવને સૌથી વધુ ફાવે?

કેટલાક બોલર વૈભવ સામે કઈ લેન્ગ્થથી બૉલ ફેંકવો એ બાબતમાં દિશાહીન થઈ જતા હોવાથી વૈભવ એનો ફાયદો ઉઠાવી લેતો હોય છે. ખાસ કરીને વૈભવ સામે શૉર્ટ લેન્ગ્થ બૉલ ફેંકવો એટલે બૉલને બાઉન્ડરી લાઇનની બહાર જતો જોવો એવું જ કહી શકાય. 2026ની આઇપીએલમાં વૈભવે શૉર્ટ લેન્ગ્થ બૉલ પર 358.00ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા છે અને આવા 40 બૉલ પર 16 છગ્ગા ફટકાર્યા છે.

ફુલ લેન્ગ્થ બૉલમાં રમતી વખતે તેના જબરદસ્ત આત્મવિશ્વાસની ઝલક જોવા મળતી હોય છે. આવા 34 બૉલમાં તેણે 341.00ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા છે તેમ જ 10 છગ્ગા ફટકાર્યા છે. બોલર (Bowler) જો વધુ આગળના ભાગમાં બૉલ ફેંકે તો વૈભવ એને આસાનીથી બિગ શૉટમાં લૉન્ગ-ઑન અથવા લૉન્ગ-ઑફ તરફ મોકલી દે છે. શૉર્ટ ઑફ ગુડ લેન્ગ્થ પર પણ તેનો સ્ટ્રાઇક-રેટ 200.00 જેટલો છે.

વૈભવ કેવા બૉલમાં વધુ સાવચેત થઈ જતો હોય છે?

જોકે અમુક પ્રકારના બૉલમાં વૈભવ વધુ સાવચેતીથી રમે છે. ફુલ ટૉસમાં તે ખાસ સાવધ થઈ જતો હોય છે. સામાન્ય રીતે બૅટ્સમેનો ફુલ ટૉસમાં બૉલ બાઉન્ડરી લાઇનને પાર મોકલી આપતા હોય છે, જ્યારે વૈભવના આંકડા કંઈક અલગ છે. ફુલ ટૉસ લેન્ગ્થ પર તેણે માત્ર 38.00ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા છે. નવાઈની વાત એ છે કે આઇપીએલ-2026માં હજી સુધી તેણે એક પણ સિક્સર નથી ફટકારી. એ જ રીતે, યૉર્કર પણ વૈભવ વિરુદ્ધ ફાસ્ટ બોલર્સનું ધારદાર હથિયાર રહ્યું છે. યૉર્કરમાં છગ્ગો ફટકારવો ખૂબ મુશ્કેલ હોય અને એવા બૉલમાં પણ હજી સુધી તે એકેય છગ્ગો નથી ફટકારી શક્યો.