અમદાવાદઃ વાડજ સર્કલ નજીક નવો ચાર-લેન ફ્લાયઓવર હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) દ્વારા અંદાજિત રૂ. ૧૦૭ કરોડના ખર્ચે બાંધવામાં આવેલો ૭૦૦ મીટરથી વધુ લાંબો ફ્લાયઓવર સપ્ટેમ્બરમાં ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવે તેવી અપેક્ષા છે.
ત્રણ વર્ષ પહેલાં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટથી ઉસ્માનપુરા, રાણીપ, આશ્રમ રોડ, ભીમજીપુરા અને શાહીબાગ વચ્ચે મુસાફરી કરતા 1 લાખથી વધુ વાહનચાલકોને ફાયદો થવાની અપેક્ષા છે. હાલમાં, વાડજ સર્કલની આસપાસના સિગ્નલો પર, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન, ટ્રાફિક જામ જોવા મળતો હોય છે.
ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મૂકતા પહેલા તેની માળખાકીય મજબૂતાઈ અને સલામતીનું મૂલ્યાંકન કરવા માટે અધિકારીઓ હાલમાં અંતિમ નિરીક્ષણ કરી રહ્યા છે. ચાલુ લોડ-ટેસ્ટિંગ કવાયતના ભાગ રૂપે ભારે અને ઓવરલોડેડ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
નવા ફ્લાયઓવરને વાડજ જંકશનથી બે શાખાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એક શાખા ઉસ્માનપુરાને રાણીપ સાથે જોડશે, જે લગભગ 700 મીટર સુધી ફેલાયેલી છે. તે લગભગ 15 મીટર પહોળી છે અને ચાર લેન ધરાવે છે. બીજી શાખા ઉસ્માનપુરાને ગાંધી આશ્રમ સાથે જોડશે, જેની લંબાઈ લગભગ 365 મીટર અને પહોળાઈ લગભગ 5.5 મીટર છે.
હાલમાં વાડજ સર્કલ પર ભારે ટ્રાફિક જેમ રહે છે. પીક અવર્સમાં રાણીપ અને ગાંધીઆશ્રમ તરફ જતા વાહનો ફ્લાયઓવરનો ઉપયોગ કરશે તો આ ટ્રાફિકમાં ઘણો જ ઘટાડો આવશે જે સરવાળે સમય અને ઇંધણની બચત કરશે.