Wed May 20 2026

Logo

પ્રાસંગિકઃ હોર્મુઝને લીધે ફાટી નીકળશે અમેરિકા ને ચીન વચ્ચે યુદ્ધ?

2026-04-15 07:56:25
Author: અમૂલ દવે
Article Image

અમૂલ દવે

એપ્રિલ 2026નો આરંભ ઇસ્લામાબાદની ધરતી પર એક ઐતિહાસિક આશા લઈને આવ્યો હતો, પરંતુ 21 કલાકની મેરાથોન વાતચીત અંતે વૈશ્વિક અસ્થિરતાના નવા અધ્યાયમાં પરિણમી છે. ઈરાન અને અમેરિકા વચ્ચેની આ મંત્રણા માત્ર નિષ્ફળ નથી નીવડી, પરંતુ તેણે પશ્ર્ચિમ એશિયામાં યુદ્ધનાં વાદળોને વધુ ઘેરાં બનાવ્યાં છે. 
 
આ નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ અમેરિકાની તે જૂની અને વિવાદાસ્પદ ‘ગનબોટ ડિપ્લોમસી’ રહી છે, જે અંતર્ગત એકબાજુ શાંતિની વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ સૈન્ય તાકાત બતાવીને દબાણ વધારવામાં આવે છે. જ્યારે ઇસ્લામાબાદમાં રાજદ્વારીઓ ટેબલ પર બેઠા હતા, ત્યારે અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરફ બે શક્તિશાળી વોરશિપ રવાના કરીને ઈરાનને નમવા મજબૂર કરવાનો પ્રયાસ કર્યો. ઈરાને આને ત્રીજી વખતની ‘છેતરામણી ચાલ’ ગણાવીને મંત્રણાના દરવાજા જોરથી બંધ કરી દીધા છે.

હોર્મુઝ વાટે ચીનને લાખો બેરલ તેલ દરરોજ મળે છે. ચીનની તેલની આયાતનો 40 ટકા ભાગ ઈરાનથી આવે છે. અમેરિકા નાકાબંધી કરીને ચીનમાં તેલ આવતું અટકાવશે તો ચીન પોતાના હિતનું રક્ષણ જરૂર કરશે. હકીકતમાં રશિયાના વિદેશપ્રધાને ચીનમાં જઈને તેમના સમકક્ષ અને સંરક્ષણ નિષ્ણાતો સાથે વાતચીત કરીને ઈરાન, રશિયા અને ચીનની સંયુક્ત વ્યૂહરચના ઘડી છે. અમેરિકા ચીનનાં જહાજોને ત્યાંથી આવતાં ન રોકે એવી ચેતવણી ચીને આ અગાઉ આપી છે. હોર્મુઝ ખુલ્લું કરવાના ચક્કરમાં અમેરિકા ચીનને વધુ ઉશ્કરશે તો બે મહાસત્તાઓ વચ્ચે અથડામણ થવી નિશ્ર્ચિત છે. 

આજના સંજોગોમાં ઈરાન એક નૈતિક અને વ્યૂહાત્મક વિજેતા તરીકે ઊભરી રહ્યું છે. તેહરાનનો સંદેશ સ્પષ્ટ છે: તે હવે કોઈના દબાણમાં આવવા તૈયાર નથી અને પોતાનાં રાષ્ટ્રીય હિતોના મુદ્દે એક ઇંચ પણ પાછા હટશે નહીં. ઈતિહાસ સાક્ષી છે કે ડોનલ્ડ ટ્રમ્પે અગાઉ ઓબામા કાળના જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શનને એક તરફી રીતે રદ કરીને ઈરાન પર આકરા પ્રતિબંધો લાદ્યા હતા. તે સમયે તેમનો તર્ક હતો કે આ કરાર નબળો છે, પરંતુ આજે જ્યારે ટ્રમ્પ ફરીથી સત્તાના સિંહાસન પર છે ત્યારે તે ઈરાન પાસેથી એવો કરાર ઈચ્છે છે જે અમેરિકાના હિતોને સર્વોપરી રાખે. 

સામે પક્ષે, ઈરાન હવે વધુ મજબૂત સ્થિતિમાં છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે યુરેનિયમ સમૃદ્ધીકરણ એ તેનો સાર્વભૌમ અધિકાર છે. જે પરમાણુ કાર્યક્રમને રોકવા અમેરિકાએ દાયકાઓ ખર્ચ્યા, તે આજે ઈરાનની સૌથી મોટી તાકાત બનીને ઊભરી આવ્યો છે.

અમેરિકા-ઇઝરાયલની સંયુક્ત વ્યૂહરચના હંમેશાંથી એવી રહી છે કે જે લક્ષ્યો યુદ્ધના મેદાનમાં હાંસલ ન થઈ શકે તેને વાતચીતના ટેબલ પર છળકપટથી મેળવી લેવા. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકી સમર્થન સાથે ઇઝરાયલે ઈરાનના અનેક સંવેદનશીલ પરમાણુ અને સૈન્ય સ્થળો પર મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલાઓનો હેતુ ઈરાનની કમર તોડવાનો અને તેને વાટાઘાટોમાં નબળું પાડવાનો હતો. જોકે, પરિણામ વિપરીત આવ્યું. ઈરાને માત્ર આ હુમલા સામે મજબૂત સુરક્ષા કવચ જ ન રાખ્યું, પરંતુ પોતાના વળતા પ્રહાર કરવાની ક્ષમતા પણ સાબિત કરી દીધી.

સમાધાનની વાતચીત તૂટ્યા પછી ટ્રમ્પે લીધેલો સૌથી વિવાદાસ્પદ અને જોખમી નિર્ણય ‘હોર્મુઝ બ્લોકેજ’ (નાકાબંધી) છે. તેમણે જાહેરાત કરી છે કે અમેરિકી નેવી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા તમામ જહાજોનું નિરીક્ષણ કરશે અને જે દેશે ત્યાંથી પસાર થવું હશે તેમણે અમેરિકાની પૂર્વ મંજૂરી લેવી પડશે. આ નિર્ણય વૈશ્વિક અર્થતંત્ર માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. હોર્મુઝ એ વિશ્વની સૌથી મહત્ત્વની ‘ઓઈલ લાઈફલાઈન’ છે, જ્યાંથી દરરોજ દુનિયાના કુલ તેલ વેપારના આશરે 20 ટકા હિસ્સો પસાર થાય છે. ટ્રમ્પની આ જાહેરાત માત્રથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો આસમાને પહોંચી ગઈ છે, જે વિકસિત અને વિકાસશીલ દેશોના બજેટને ખોરવી રહી છે.

આશ્ચર્યજનક રીતે, અમેરિકાના આ પગલામાં તેના પરંપરાગત સાથી દેશો પણ તેની સાથે નથી. નોટો (NATO) સંગઠનના પ્રમુખ દેશો જેવા કે જર્મની, ફ્રાન્સ, ઇટલી અને ગ્રીસે અમેરિકાના આ બ્લોકેજ પ્લાનનો હિસ્સો બનવાનો ઈન્કાર કરી દીધો છે. યુરોરવયન નેતાઓ માને છે કે આ સંઘર્ષ અમેરિકાની અંગત મહત્ત્વાકાંક્ષાઓનું પરિણામ છે અને તે આ જોખમી ખેલમાં પોતાના નૌકાદળને હોમવા માગતા નથી. યુરોપમાં એવી ચર્ચા છે કે જો વિશાળ અમેરિકી નેવી પણ હોર્મુઝમાં ઈરાની મિસાઈલો અને ડ્રોન સામે લાચાર જણાતી હોય, તો યુરોપિયન ફ્રિગેટ્સ ત્યાં શું ઉખાડી લેશે? આ સ્થિતિ અમેરિકા અને યુરોપ વચ્ચે વધતા જતા રાજદ્વારી અંતરને છતું કરે છે.

આ અરાજકતાના માહોલમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પોતાની કૂટનીતિક ચપળતા સાબિત કરી છે. અમેરિકા જ્યારે પ્રતિબંધો અને બ્લોકેજની ભાષા બોલી રહ્યું છે ત્યારે પુતિને ઈરાની પ્રમુખ સાથે વાત કરીને મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. રશિયા મધ્ય પૂર્વમાં એક શાંતિદૂત તરીકે પોતાની છબી મજબૂત કરી રહ્યું છે, જે અમેરિકાની એકલતામાં વધારો કરે છે. રશિયા, ચીન અને ઈરાન વચ્ચે બનતી આ નવી ધરી અમેરિકાના વર્ચસ્વ સામે સીધો પડકાર છે.

અમેરિકાના બ્લોકેજને ઈરાને અત્યંત હાસ્યાસ્પદ ગણાવ્યો છે. ઈરાની નેવી ચીફે સણસણતો સવાલ કર્યો છે કે, ‘જ્યારે હોર્મુઝ અમારી ભૌગોલિક સરહદ છે, ત્યારે અમેરિકા તેના પર તાળા કેવી રીતે લગાવી શકે?’ ઈરાનની મિસાઈલ ટેકનોલોજી અને હજારો નાના આક્રમક જહાજોની ક્ષમતા એવી છે કે તે ગમે ત્યારે હોર્મુઝને અમેરિકી બેડા માટે કબ્રસ્તાન બનાવી શકે છે. ઈરાની સંસદના સ્પીકરનું નિવેદન કે ‘અમે અમેરિકી સૈનિકોને આગમાં સળગાવી દઈશું,’ એ માત્ર ધમકી નથી,પરંતુ યુદ્ધ માટેની તેમની સંપૂર્ણ સજ્જતાનો સંકેત છે.

આ દરમિયાન ટ્રમ્પ અને વેટિકન વચ્ચેનો વિવાદ પણ ચર્ચાના કેન્દ્રમાં છે. પોપ લિયો ચૌદમાએ અમેરિકાની આક્રમકતાની નિંદા કરતા તેને માનવતા વિરોધી પગલું ગણાવ્યું છે. ટ્રમ્પે વળતા પ્રહારમાં પોપને ‘વીક’ કહીને ખ્રિસ્તી જગતમાં પણ વિવાદ છેડ્યો છે, જેની અસર આગામી અમેરિકી રાજકારણ પર પડવી નિશ્ર્ચિત છે.

નિષ્કર્ષમાં કહી શકાય કે, એપ્રિલ 2026ની આ સ્થિતિ વિશ્વને એક મોટા સંઘર્ષ તરફ ધકેલી રહી છે. ઈરાને સાબિત કર્યું છે કે તે દબાણ સામે ઝૂકશે નહીં અને અમેરિકાએ સ્વીકારવું પડશે કે તેની ધાક-ધમકીની નીતિ હવે બહુ અસરકારક રહી નથી. જો બ્લોકેજ અને સૈન્ય જમાવટ ચાલુ રહેશે તો આ માત્ર એક પ્રાદેશિક યુદ્ધ નહીં રહે, પરંતુ ત્રીજા વિશ્વયુદ્ધનું નિમિત્ત બની શકે છે. અત્યારે વિશ્વને અહંકાર છોડીને સંવાદની જરૂર છે, પરંતુ ઈરાનની અડગતા અને અમેરિકાની જીદ વચ્ચે શાંતિની આશા અત્યંત ક્ષીણ દેખાય છે.