ન્યૂ યોર્કઃ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ વિરોધી અનેક અભિયાનો હાથ ધરવાની સાથે મજબૂત એક્શન લેવામાં આવ્યા પછી પણ વિશ્વના ખતરનાક આતંકવાદી સંગઠન અલ-કાઇદાએ ફરી માથું ઊંચક્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના તાજેતરના અહેવાલે સમગ્ર વિશ્વને ચોંકાવ્યું છે, જેમાં જણાવાયું છે કે અલ-કાઇદા અત્યારે 9/11ના હુમલા સમયની તુલનામાં અનેકગણું વધુ મજબૂત અને વિસ્તૃત બન્યું છે. સુરક્ષા એજન્સીના દાવા અનુસાર આ સંગઠનને ઓછું આંકવું એ ભૂલભરેલું બની શકે છે.
સંયુક્ત રાષ્ટ્રની મોનિટરિંગ ટીમના અહેવાલ મુજબ વર્ષ 2001માં જ્યારે અમેરિકા પર આતંકી હુમલો થયો ત્યારે અલ-કાઇદા પાસે અંદાજે 5,000 આતંકવાદી હતા, જેની સંખ્યા અત્યારે વધીને 25,000થી વધુ થઈ ગઈ છે. બ્રિટિશ જાસૂસી એજન્સી MI6 અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ડેટા પરથી સાબિત થયું છે કે આ આતંકવાદી જૂથ અત્યારે આફ્રિકા અને પશ્ચિમ એશિયાના અનેક ભાગોમાં ફેલાયેલું છે. ભલે તેની પાસે કોઈ એક મુખ્ય કેન્દ્ર નથી, પરંતુ તેમની વિકેન્દ્રિત શક્તિ વધુ જટિલ ખતરો પેદા કરી રહી છે.
અલ-કાઇદાએ હવે પોતાની વિચારધારા કરતા મજબૂરીનો લાભ લેવાનું શરૂ કર્યું છે. અગાઉના આતંકવાદીઓ કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરાઈને જોડાતા હતા, જ્યારે વર્તમાન પેઢીના સભ્યો ગરીબી, સ્થાનિક ફરિયાદો અને આર્થિક લાલચને કારણે સંગઠનમાં જોડાઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ સંગઠન હવે 11 વર્ષના બાળકોને પણ નિશાન બનાવી રહ્યું છે, કારણ કે તેમને સરળતાથી ભડકાવી શકાય છે. આ સિવાય, ડ્રોન ટેકનોલોજી અને ઓનલાઇન વિડિયો ટ્યુટોરિયલ્સ દ્વારા આધુનિક હથિયારો બનાવવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
તાલિબાનના શાસન હેઠળ અફઘાનિસ્તાન ફરી અલ-કાઇદા માટે તાલીમ અને ભરતીનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. UNSCના રિપોર્ટ અનુસાર તાલિબાનના દાવાઓથી વિપરીત અલ-કાયદાને ત્યાં સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને 'અલ-કાઇદા ઇન ઇન્ડિયન સબકન્ટિનન્ટ' (AQIS) દક્ષિણ-પૂર્વ અફઘાનિસ્તાનમાં સક્રિય છે અને હક્કાની નેટવર્ક સાથે મળીને કામ કરી રહ્યું છે. આ જોડાણ ભારતીય ઉપખંડ અને પાકિસ્તાન જેવા પડોશી દેશો માટે અત્યંત જોખમી માનવામાં આવે છે.
યુએન ટીમના કોઓર્ડિનેટર કોલિન સ્મિથે સ્પષ્ટ કર્યું છે કે અલ-કાઇદાએ હથિયાર હેઠા મૂક્યા નથી, પરંતુ તે મોટા પાયે હુમલાઓનું કાવતરું ઘડી રહ્યું છે. આ સંગઠન અત્યારે 'સર્વિસ પ્રોવાઈડર' તરીકે અન્ય આતંકવાદી જૂથો જેવા કે તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને પણ મદદ કરી રહ્યું છે. વૈશ્વિક સમુદાયે આ સંગઠનની આર્થિક તાકાત અને ડિજિટલ પહોંચને રોકવા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવા પડશે, અન્યથા ભવિષ્યમાં 9/11 જેવી વધુ એક દુર્ઘટના સર્જાવાની ભીતિ છે.