Wed Aug 19 2026

Logo

નાંદેડના ગામમાં ઝેરી ધુમાડાને કારણે બે સગીર બહેનનાં મૃત્યુ

2026-08-07 17:23:21
Author: Yogesh D. Patel
Article Image

નાંદેડ: નાંદેડ જિલ્લાના ગામમાં એક પરિવારે ઘરમાં કાબુલી ચણાનું રક્ષણ કરવા માટે જંતુનાશકનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી ઝેરી ધુમાડો નીકળતાં ચાર અને છ વર્ષની બે બહેનના શ્વાસમાં જવાથી તેમનાં મોત નીપજ્યાં હતાં.મૃતકોની ઓળખ આરોહી ડેબેકર અને તેની નાની બહેન આરાધ્યા ડેબેકર તરીકે થઇ હતી, જે બાલાપુર ગામમાં રહેતા મલ્લેશ ડેબેકરની પુત્રીઓ હતી. બંને બહેન ગુરુવારે સવારે મૃત અવસ્થામાં મળી આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જંતુઓથી ખાદ્યપદાર્થનું રક્ષણ કરવા માટે કાબુલી ચણા પર જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિવાર સાથે સૂતો હતો ત્યારે ઘરમાં જંતુનાશકમાંથી ઝેરી ધુમાડો નીકળ્યો હતો, જેનાથી બંને બહેનને અસર થઇ હતી. એ સમયે ઘરનો દરવાજો અને બારી બંધ હતાં.ઝેરી ધુમાડાને કારણે આખા પરિવારને અસર થઇ હતી. પરિવારજનોને આખી રાત ઊલટી થઇ હતી. જોકે બંને બહેન તે સહન કરી શકી નહોતી. ગુરુવારે મોટી સંખ્યામાં ગામવાસીઓની હાજરીમાં બંને બહેનના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. બંને બહેનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. (પીટીઆઇ)